રાજકોટ સહિત રાજ્યભરના ખેલૈયાઓએ નવરાત્રીના કોમર્શિયલ પાસ પર નખાયેલા GST નો કર્યો ઉગ્ર વિરોધ
ભારત ખેતીપ્રધાન દેશ છે તેવી જ રીતે ભારત સંસ્કૃતિથી પણ સંપૂર્ણ સુસજ થયેલો દેશ છે. અહીં વસતા દરેક લોકો પોતાની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે વિવિધ તહેવારોને રંગે ચંગે મનાવતા હોય છે.તેમાં પણ જ્યારે ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે અને તેમાં પણ જ્યારે સૌરાષ્ટ્ર અને રાજકોટનું નામ આવે એટલે એ વાત સ્પષ્ટ થઈ જાય કે અહીં વસતા લોકો અત્યંત મોજીલા અને રંગીલા છે તેઓ દરેક નાના મોટા ત્યોહારને ખૂબજ આનંદથી મનાવતા હોય છે. છેલ્લા બે વર્ષ કોરોનાના કપરા સમયમાં કોઈપણ પ્રકારના તહેવારો મનાવવામાં આવ્યા ન હતા .ત્યારે ઈશ્વરની કૃપાથી હાલ જ્યારે સ્થિતિ સામાન્ય બની છે ત્યારે આવનારા જૂજ દિવસોમાં જન્માષ્ટમી પર્વ સાથે ગણેશ ઉત્સવ અને ત્યારબાદ નવલા નોરતા એટલે કે નવરાત્રી આવી રહી છે.
રાજકોટ અને સૌરાષ્ટ્રના નવ યુવાનોમાં અર્વાચીન રાસોત્સવ ને લઇ ખૂબ જ વધુ આનંદ જોવા મળતો હોય છે અને તેના માટે તેઓ આખું વર્ષ ટ્રેડિશનલ પોશાક માં તેની પ્રેક્ટિસ પણ કરતા હોય છે. નવલા નોરતા એટલે માતાજીની આરાધના અને ઉપાસના ત્યારે અર્વાચીન રાસોત્સવમાં પણ માતાજીના ગરબા ના સુર અને તાલ ઉપર ખેલૈયા મન મૂકીને ગરબાનો આનંદ લેતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા ગરબાના પાસ પર જે જીએસટી લગાડવામાં આવ્યો છે તેનો વિરોધ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે.તમામ ખેલૈયાઓનું કહેવું છે કે સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય બદલવામાં આવે, કારણ કે છેલ્લા બે વર્ષમાં આયોજન સહેજ પણ શક્ય બન્યું ન હતું ત્યારે હવે જે પાસ ના ભાવમાં વધારો જીકાયો છે અને તેમાં પણ જો જીએસટી લગાડવામાં આવે તો તેઓ આ તહેવાર ને સારી રીતે માણી નહીં શકે. જેથી સરકારે આ વાતને ગંભીરતાથી લેવી ખૂબ જ જરૂરી છે.
સિઝન પાસના રૂપિયા માંડ ભેગા કરીએ તેમાં જીએસટી ક્યાંથી પોસાય ?? : હાર્દિકસિંહ રાઠોડ
ખેલૈયા હાર્દીકસિંહ રાઠોડે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી ગરબા કલાસ ચલાવુ છું તેમજ અર્વાચીન રાસોત્સવમા ગરબા રમવા જાવ છું.અમદાવાદ , સુરત , વડોદરાની જેમ અમારે રાજકોટ શહેરમાં ગરબાના પાસના ભાવ વધારે નથી હોતા.સિઝન પાસનો ભાવ વધી ને 1500 થી 2000 રૂપિયા હોઈ છે.અમે પોકેટ મની માંથી માંડ ખર્ચ એકઠો કરી પાસ લઈએ છીએ અને તેમાં પણ હવે 18% જીએસટી લગાવવામાં આવશે તે કેટલું યોગ્ય ? હું આ નિર્ણય નો વિરોધ કરું છું અને સરકારને વિનંતી કરું છું કે આ જીએસટી ટેક્ષ હટાવી લે.
અમે પાર્ટી પ્લોટમાં માતાજીના ગરબા રમવા જઈએ છીએ,ધાર્મિક ગરબામાં ટેક્ષ ન હોઈ
ગરબા રમતા ખેલૈયા એ જણાવ્યું હતું કે અમે પાર્ટી પ્લોટમાં સિઝન પાસ લઈ ને ગરબા રમવા જઈએ છીએ .ત્યાં માતાજીની આરાધના કરવામાં આવે છે તેમજ ટ્રેડિશનલ સાંસ્કૃતિક ડ્રેસ પહેરી અમે ગરબા રમીએ છીએ.ત્યાં કોઈ ડીજે ડાન્સ કરવા અમે નથી જતા. ધાર્મિક કાર્યક્રમમા ક્યારેય ટેક્ષ ન હોવો જોઈએ.અમારા તો ચણીયા ચોલીમાં પણ જીએસટી લગાવવાની વાત છે તો અમે તહેવાર ઉજવીએ કે નહીં ? સરકારને વિનંતી કે આ ધાર્મિક તહેવાર પર જીએસટી ન લગાવો.
પાસ પર જીએસટી નો નિર્ણય સરકાર પરત ખેંચે : ડો.ગૌરવ ગોહિલ
ગરબા ના પાસ પર 18% જીએસટીના નિર્ણય પર ખેલૈયા ડો.ગૌરવ ગોહિલે જણાવ્યું હતું કે તદ્દન વિરોધ આ નિર્ણય નો અમે કરી રહ્યા છીએ.છેલ્લા 2 વર્ષથી અમે તહેવાર જ નથી માણ્યા .કોરોનાના ખૂબ કપરા દિવસો સૌએ જોયા .પરંતુ હાલમાં જે ગરબા ના પાસ પર જીએસટીનો નિર્ણય છે તે તદ્દન અયોગ્ય નિર્ણય છે.સરકારને અમે ખેલૈયાઓ વિનંતી કરી રહ્યા છીએ કે આ નિર્ણય પરત ખેંચે અને ખેલૈયાઓને રાહત આપે.
માતાજીના ગરબા રમવા માટે ટેક્ષ હોઈ ? સરકારનો નિર્ણય અયોગ્ય
ગરબા એ માતાજી નો તહેવાર છે.માતાજીના તહેવારમાં આપણે મન મુકીને રમતા હોઈએ. માતાજીના ગરબા રમવા માટે પણ શું હવે અમારે ટેક્ષ ભરવાનો ?? અમે તમામ ખેલૈયાઓ સરકારને વિનંતી કરીએ છીએ કે ગરબાના પાસ પર લગાવવામાં આવેલ જીએસટી નાબૂદ કરે.