ટેકસ બ્રાંચને અપાયો રૂ.૨૬૦ કરોડનો તોતીંગ લક્ષ્યાંક: વાહન વેરાનો ૧૯ કરોડ, હોર્ડિંગ્સનો ૧૫ કરોડ અને એજયુકેશન સેસનો ૩૫ કરોડનો લક્ષ્યાંક
જકાત નાબુદી બાદ મહાપાલિકાની પોતાની કહી શકાય તેવી એકમાત્ર આવક ટેકસની રહી છે. મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયા આધારીત વેરા પઘ્ધતિની અમલવારી બાદ શહેરમાં ૭૫ થી ૮૦ ટકા મિલકતોના વેરામાં ઘટાડો થયો છે. પરીણામે પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે હાલ મહાપાલિકાની ટેકસની આવકમાંથી મહેકમ એટલે કે પગારનો ખર્ચ પણ નિકળતો નથી. આવામાં શહેરનો વિકાસ સંપૂર્ણપણે ગ્રાન્ટ આધારીત છે.
ચાલુ નાણાકીય વર્ષમાં ટેકસ બ્રાંચને રૂ.૨૫૦ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો જેની સામે અત્યાર સુધીમાં માત્ર ૧૭૧ કરોડની વસુલાત થવા પામી છે. નાણાકીય વર્ષ પુરુ થવાના આડે હવે બે માસ જેટલો જ સમયગાળો બચ્યો છે. નવા નાણાકીય વર્ષ એટલે કે વર્ષ ૨૦૧૯-૨૦માં ટેકસ બ્રાંચને અશકય કહી શકાય તેટલો ૨૬૦ કરોડનો તોતીંગ લક્ષ્યાંક આપી દેવામાં આવ્યો છે.
અત્યાર સુધી ટેકસની આવક અને મહેકમ ખર્ચ સરભર થઈ જતા હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. ટેકસની આવકમાંથી હવે પગાર ખર્ચ પણ નિકળે તેમ નથી કારણકે ટેકસનો લક્ષ્યાંક પુરો થઈ જાય તો પણ ૨૬૦ કરોડની આવક થાય તેમ છે જેની સામે વાર્ષિક પગાર ખર્ચ રૂ.૩૨૬.૨૪ કરોડ થવાનો અંદાજ છે. બજેટમાં વાહન વેરાનો લક્ષ્યાંક ૧૯ કરોડ, ઈમ્પેકટ ફી, એફએસઆઈના વેચાણ અને ટીપીની અન્ય આવક ૧૧૧ કરોડ દર્શાવવામાં આવી છે. વ્યવસાય વેરાનો લક્ષ્યાંક ૩૦ કરોડ, હોર્ડીંગ્સ બોર્ડથી થનારી આવકનો લક્ષ્યાંક ૧૫ કરોડ જયારે એજયુકેશન સેસ પેટે રૂ.૩૪.૭૫ કરોડની વસુલાત થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. જકાત ગ્રાન્ટ પેટે રાજય સરકાર મહાપાલિકાને રૂ.૧૩૪ કરોડ ફાળવશે તેઓઅંદાજ રાખવામાં આવ્યો છે.
ટેકસની આવક પગાર જ ગળી જશે. આવામાં બજેટ સંપૂર્ણપણે ગ્રાન્ટ આધારીત છે. ટુંકમાં વિકાસ ગ્રાન્ટ પર નિર્ભર રહેશે. બજેટમાં સ્વર્ણિમ યોજના અંતર્ગત ૨૩૦ કરોડની ગ્રાન્ટ, આવાસ યોજના અંતર્ગત ૧૧૮.૬૯ કરોડ, ગુજરાત ટુરીઝમ દ્વારા રૂ.૧૦ લાખ, નાણાપંચ દ્વારા રૂ.૫૦ કરોડ, અમૃત યોજના હેઠળ રૂ.૨૨૮ કરોડ અને અન્ય ૭૪ કરોડની ગ્રાન્ટ મળે તેવી આશા દર્શાવવામાં આવી છે.
ટુંકમાં બજેટ ગ્રાન્ટ પર આધારીત રહેશે. આ ઉપરાંત મુડી આવકના વિભાજનમાં સફાઈ કામદાર આવાસ યોજનાના લાભાર્થીઓનો ફાળો રૂ૩ કરોડ, આવાસ ગૃહ યોજનાના લાભાર્થીઓનો ફાળો રૂ.૧૨૦ કરોડ, બેટરમેન્ટ લેવી અને એમીનીટી ચાર્જ રૂ૧૦૦ કરોડ, ડ્રેનેજ કનેકશન ચાર્જ રૂ૭.૫૦ કરોડ, વોટર કનેકશન ચાર્જ રૂ.૨.૫૦ કરોડ અને અન્ય મુડી આવક રૂ.૨૩.૨૧ કરોડ દર્શાવવામાં આવી છે.
૨૫૦ કરોડના મ્યુનિસિપલ બોન્ડ ૧૦૦ કરોડની જમીન વેચાશે
રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં આવક અને જાવકના ટાંગામેળ કરવા માટે કેટલીક આવકો દર્શાવવામાં આવી છે જેમાં મહાપાલિકા દ્વારા નવા નાણાકીય વર્ષમાં રૂ.૨૫૦ કરોડના મ્યુનિસિપલ બોન્ડ ઈસ્યુ કરવામાં આવશે તેવી જાહેરાત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા કરવામાં આવી છે. જોકે અગાઉ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા પણ મ્યુનિસિપલ બોન્ડ ઈસ્યુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આરબીઆઈ દ્વારા મંજુરી ન મળતા કોર્પોરેશન બોન્ડ પ્રસિઘ્ધ કરી શકયું ન હતું. હવે જયારે નવા બજેટમાં ૨૫૦ કરોડના મ્યુનિસિપલ બોન્ડ ઈસ્યુ કરવાની જાહેરાત તો કરી દેવામાં આવી છે ત્યારે આરબીઆઈ દ્વારા બોન્ડ પ્રસિઘ્ધ કરવા માટે મંજુરી આપવામાં આવશે કે કેમ ? તે પણ જવાબ માંગી લેતો સવાલ છે આ ઉ૫રાંત વિકાસ કામો માટે મહાપાલિકા નવા નાણાકીય વર્ષમાં રૂ૧૦૦ કરોડની જમીનનું વેચાણ કરી આવક મેળવવાના પ્રયાસ કરશે.
કાલાવડ રોડ અને બીઆરટીએસ પર ફૂટ ઓવરબ્રિજ બનાવવા ૫૦ લાખની જોગવાઈ કેકેવી ચોક, અંડરબ્રિજ, હોસ્પિટલ ચોક બ્રિજ, આમ્રપાલી રેલવે ફાટક બ્રિજ, સોરઠીયાવાડી સર્કલ બ્રિજ અને લક્ષ્મીનગરના નાલે બ્રિજનો બજેટમાં સમાવેશ કરાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના કાલાવડ રોડ અને બીઆરટીએસ રોડ પર ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે રૂ.૫૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. આજી રીવર માટે રૂ.૭ કરોડ, વોર્ડ નં.૧૦ અને ૧૨માં નવુ ફાયર સ્ટેશન બનાવવા રૂ.૪.૫૦ કરોડ, વોર્ડ નં.૮માં કાલાવડ રોડ પર કેકેવી હોલ ખાતે અંડરબ્રિજ બનાવવા રૂ.૪ કરોડ, હોસ્પિટલ ચોકમાં ફલાય ઓવરબ્રિજ બનાવવા રૂ.૪ કરોડ, આમ્રપાલી રેલવે અંડર બ્રિજ માટે રૂ.૪ કરોડ અને સોરઠીવાડી સર્કલ ખાતે બ્રિજ બનાવવા માટે રૂ.૯૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત લક્ષ્મીનગરના નાલા ખાતે પણ બ્રિજ બનાવવા માટે રેલવે સાથે મંત્રણા કરવામાં આવશે જે કામ ટૂંક સમયમાં શ‚ કરાશે તેમ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
તમામ ક્ધયા હાઈસ્કૂલોમાં સેનેટરી વેન્ડીંગ મશીન મુકાશે
સાધુ વાસવાણી રોડ અને સામાકાંઠે નવી લાઈબ્રેરી: દર વર્ષે ૨૬ પ્રાથમિક શાળાઓને સ્માર્ટ બનાવાશે: ભગવતીપરા અને કોઠારીયામાં નવી હાઈસ્કૂલ
રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં શિક્ષણ અને લાઈબ્રેરી માટે પણ લાખો ‚પિયાની જોગવાઈ કરવામાં આવી છે. મહાપાલિકાની હદમાં ભળેલા કોઠારીયા તથા વાવડી વિસ્તારમાં રૂ.૨.૦૫ કરોડના ખર્ચે નવી ૧૨ સ્કૂલ બનાવવામાં આવશે જેમાં ૧૨૫ શિક્ષકો સામેલ કરવામાં આવશે. શહેરની તમામ ક્ધયા હાઈસ્કૂલ ખાતે સેનેટરી વેન્ડીંગ મશીન મુકવામાં આવશે તેવી જાહેરાત આજે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા કરવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ભગવતીપરા અને કોઠારીયા ખાતે નવી બે હાઈસ્કૂલ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત વોર્ડ નં.૯માં સાધુ વાસવાણી રોડ અને સામાકાંઠે વોર્ડ નં.૬માં નવી લાઈબ્રેરી બનાવવામાં આવશે. મહાપાલિકાની સંચાલીત તમામ ૭૭ પ્રાથમિક શાળાને સ્માર્ટ બનાવવામાં આવશે. દર વર્ષે ૨૬ શાળાઓને સ્માર્ટ કરવાનું આયોજન છે. આ ઉપરાંત અલગ અલગ આંગણવાડીઓને પણ સ્માર્ટ કરાશે.
૨૪ માળની ઈમારત પર આગ બુઝાવવું બનશે સહેલુ: ૮૧ મીટરનું હાઈડ્રોલીક પ્લેટફોર્મ ખરીદાશે
શહેરનો વિસ્તાર અને વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં હવે ૨૨ માળની ઈમારતોનું પણ નિર્માણ થવા લાગ્યું છે ત્યારે ૨૪ માળની ઈમારત પર આગ લાગે તો તેને બુઝાવવા માટે હાલ મહાપાલિકા પાસે હાડ્રોલીક પ્લેટફોર્મની સુવિધા ઉપલબ્ધ નથી. ભવિષ્યમાં મોટી દૂર્ઘટના સર્જાય તે પૂર્વે મહાપાલિકાએ આગોતરા પગલા લઈ લીધા છે. બજેટમાં ૮૧ મીટરનું નવું હાઈડ્રોલીક પ્લેટફોર્મ ખરીદવા માટેની નાણાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રોશની શાખા માટે પણ અનેક જોગવાઈ કરાઈ છે જેમાં આઈપીડીએસ સ્કીમ મારફત ૧૨૨ કિ.મી. કલીયર સ્કાય અંગેની કામગીરી કરાશે. જુદા જુદા પમ્પીંગ સ્ટેશન પર ન્યુ એનર્જી સેવીંગ અને રૈયા ખાતે ૨ મેગા વોટ સોલાર પ્લાન્ટ બનાવવામાં આવશે.
કોર્પોરેશન રૂ.૧૦૬૪ કરોડના ખર્ચે ૧૫૨૧૫ આવાસ બનાવશે
સ્માર્ટ સિટી એરિયામાં ૪૫૦૦ આવાસ અને વેસ્ટ ઝોનમાં ૬૦૦૦ જેટલા આવાસનું નિર્માણ થશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વેસ્ટ ઝોન વિસ્તાર અને સ્માર્ટ સિટી એરિયામાં રૂ.૧૦૬૪ કરોડના ખર્ચે ૧૫૨૧૫ આવાસ બનાવવામાં આવશે તેવી જાહેરાત આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા કરવામાં આવી છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં પેકેજ-૧માં એલઆઈજી પ્રકારના ૪૦૪ અને એમઆઈજી પ્રકારના ૧૦૨૮ આવાસ, પેકેજ-૨માં ઈડબલ્યુએસ-૨ પ્રકારના ૫૪૨ આવાસ, પેકેજ-૩માં એલઆઈજી પ્રકારના ૮૮૦ અને એમઆઈજી પ્રકારના ૨૭૨ આવાસ, પેકેજ-૪માં ઈડબલ્યુએસ-૧ પ્રકારના ૧૦૩૬ આવાસ અને ઈડબલ્યુએસ-૨ પ્રકારના ૬૫૮ આવાસ બનાવવામાં આવશે. જયારે સ્માર્ટ સિટી એરિયામાં રૂ.૫૪ કરોડના ખર્ચે ૪૫૦૦ આવાસ બનાવવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પીપીપી પ્રોજેકટ હેઠળ નટરાજનગરમાં ૩૦૦ આવાસ અને બાવળીયાપરામાં ૧૦૦ આવાસ બનાવવામાં આવશે. નવા નાણાકીય વર્ષમાં મહાપાલિકા દ્વારા રૂ.૧૦૩૪ કરોડના ખર્ચે ૧૫૨૧૫ આવાસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રમોશન ફોર સાયકલીંગ: નવી સાયકલ ખરીદનારને ૧૦૦૦ રીફંડ અપાશે
શહેરીજનો પોતાના સ્વાસ્થ્ય બાબતે વધુ સતર્ક અને સજાગ બને તેવા ઉમદા આશ્રય સાથે આગામી નાણાકીય વર્ષથી મહાપાલિકા દ્વારા શહેરીજનો માટે પ્રમોશન ફોર સાયકલીંગ પ્રોત્સાહન યોજના બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ નવી સાયકલની ખરીદી કરનાર વ્યકિતને રૂ.૧૦૦૦નું રીફંડ આપવામાં આવશે. બજેટમાં એક કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના થકી શહેરમાં નોનમોટરાઈઝડ ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન મળશે અને પર્યાવરણની જાળવણીમાં પણ લોકોનું યોગદાન મહત્વનું બની રહેશે.
ઈ-રીક્ષા પ્રમોશન યોજના પણ લાગુ કરવામાં આવશે જેમાં ૧૦૦ ઈ-રીક્ષા ખરીદવા માટે સખી મંડળોને સબસીડી આપવા માટે રૂ.૧.૨૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. લાસ્ટ માઈલ કનેકટીવીટીના સિઘ્ધાંત હેઠળ ખાનગી કોન્ટ્રાકટ દ્વારા પણ ઈ-રીક્ષા ચલાવવાનું પણ આયોજન છે. જો કોઈ વ્યકિત ઈ-રીક્ષા ખરીદ કરશે તો તે વ્યવસાય માટે મહાપાલિકા દ્વારા અલગ-અલગ ૧૦ સ્થળે વિનામૂલ્યે ઈ-પાર્કીંગની સુવિધા મળે તે માટે જમીન આપવામાં આવશે અને ઈ-રીક્ષાઓની વિનામૂલ્યે બેટરી ચાર્જીસની સુવિધા આપવા માટે ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવશે. જેનો ઈલેકટ્રીક ખર્ચ મહાપાલિકા ભોગવશે. કોઈ વ્યકિત ઈ-રીક્ષા ખરીદશે તો તેને બ્રાન્ડીંગની જાહેરાતની પરવાનગી પણ આપવામાં આવશે.
૨૨ ઈ-ટોયલેટ અને ૨૬ મોર્ડનાઈઝડ ટોયલેટ બનાવાશે
કોર્પોરેશન દ્વારા નવા નાણાકીય વર્ષમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં નવા ૨૨ ઈ-ટોયલેટ અને ૨૬ મોર્ડનાઈઝડ પે એન્ડ યુઝ ટોયલેટ બનાવશે.
મ્યુનિસિપિલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, હાલ માત્ર ત્રિકોણબાગ ખાતે ઈ-ટોયલેટ છે. આગામી દિવસોમાં મહાપાલિકા દ્વારા ગુંદાવાડી માર્કેટ, ધર્મેન્દ્ર રોડ માર્કેટ, રોડ, દુધ પીઢ પાસે, સર્વેશ્ર્વર ચોક, મવડી રોડ વેજીટેબલ માર્કેટ, ગોંડલ ચોકડી, કોઠારીયાનાકા પોલીસ સ્ટેશન સામે, જયુબેલી શાકમાર્કેટ, સાધુ વાસવાણી હોકર્સ ઝોન, પુષ્કરધામ હોકર્સ ઝોન, મોરબી રોડ હોકર્સ ઝોન જકાતનાકા સામે, ગોવિંદબાગ વેજીટેબલ શાક માર્કેટ, સંતકબિર રોડ હોકર્સ ઝોન, કોઠારીયા રોડ, ઈન્દીરા સર્કલ, માધાપર ચોકડી, રામાપીર ચોકડી, હનુમાનમઢી ચોક, રૈયા ટેલીફોન એકસચેન્જ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે, સ્વામિનારાયણ ચોક, ભકિતનગર સર્કલ સહિત ૨૨ સ્થળોએ ઈ-ટોયલેટ બનાવવામાં આવશે.
જયારે હોસ્પિટલ ચોક, બહુમાળી ભવનના દરવાજા સામે, રેલવે સ્ટેશનની સામે, ઢેબર રોડ પર નાગરિક બેંક ચોક, અખા ભગત ચોક, ભકિતનગર સ્ટેશન પાસે, સર્વેશ્ર્વર ચોક, પરાબજાર, આનંદ બંગલા ચોક, ગુંદાવાડી, અટીકા ઈન્ડસ્ટ્રીઝ, હસનવાડીમાં અમરનાથ મંદિર પાસે, રામાપીર ચોકડી હોકર્સ ઝોન, માધાપર ચોકડી, રૈયા ટેલીફોન એકસચેન્જ, સાધુ વાસવાણી રોડ, ઈન્દીરા સર્કલ ઓવરબ્રીજ નીચે, ભગતસિંહ ગાર્ડન પાસે, કાલાવડ રોડ પાણીના ટાંકાની બાજુમાં, બાલાજી હોલની સામે, બાપાસીતારામ ચોક, નાનામવા રોડ ભીમનગર ચોક, મવડી ચોકડી બ્રીજની નીચે, ગોંડલ રોડ ચોકડી, મોરબી રોડ, જકાતનાકા અને અમુલ ચોકડીએ મોર્ડનાઈઝીડ પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવામાં આવશે.
શહેરના ત્રણેય ઝોનમાં હેપી સ્ટ્રીટ બનાવાશે
ઈસ્ટ ઝોનમાં આજીડેમ ચોકડીથી અમુલ સર્કલ સુધી, સેન્ટ્રલ ઝોનમાં હોમી દસ્તુર માર્ગ અને વેસ્ટ ઝોનમાં બીઆરટીએસના સાઈકલ ટ્રેક પર હેપી સ્ટ્રીટ
રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૧૯-૨૦ માટે આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા રજુ કરવામાં આવેલા બજેટમાં શહેરના ત્રણેય ઝોનમાં અલગ-અલગ વિસ્તારોમાં હેપી સ્ટ્રીટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હેપી સ્ટ્રીટ એટલે કે એવો વિસ્તાર કે જયાં શહેરીજનો શાંતીથી બેસી આનંદ પ્રમોદ કરી શકે. વાહનના ઘોંઘાટ અને અકસ્માતના ભય વિના શાંતિથી સમય પસાર કરી શકે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં હેપી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં આજીડેમ ચોકડીથી અમુલ સર્કલ સુધી રોડની બંને બાજુ, સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં હોમી દસ્તુર માર્ગ પર એવીપીટી તથા ધર્મેન્દ્ર કોલેજની એક સાઈડ, જયારે વેસ્ટ ઝોનમાં બીઆરટીએસ પર સાઈકલ ટ્રેક પર હેપી સ્ટ્રીટ બનાવવામાં આવશે.