નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં ટેક્સ બ્રાન્ચ આક્રમક: 37 મિલકતો સીલ

રાજકોટ મહાનગર પાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા આ વર્ષે ટેક્સ કલેક્શનમાં પાછલા દાયકાના તમામ રેકોર્ડ તોડી નાંખવામાં આવ્યા છે. આજ સુધીમાં ટેક્સ પેટે રૂ.310 કરોડની આવક થવા પામી છે. જો કે ટાર્ગેટ હજુ 30 કરોડ રૂપિયા છેટો છે.

નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં ટેક્સ બ્રાન્ચ આક્રમક બની છે. આજે 37 મિલકતો સીલ કરવામાં આવી હતી અને 35 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવતા બપોર સુધીમાં વેરા પેટે રૂ.1.83 કરોડની આવક થવા પામી છે.

આજે હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત કાલાવડ રોડ, સદ્ગુરૂ નગર, રણછોડનગર, કનક રોડ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, નાનામવા રોડ, કોઠારીયા રોડ, દિન દયાળ ઔદ્યોગીક વિસ્તારમાં બાકીદારોની 37 મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. જ્યારે 35 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવતા વેરા પેટે રૂ.1.83 કરોડની વસૂલાત થવા પામી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સ બ્રાન્ચને રૂ.340 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેની સામે આજસુધીમાં 310 કરોડની વસૂલાત થઇ જવા પામી છે. નાણાકીય પુરૂ થવાના આડે હવે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે ટેક્સનો ટાર્ગેટ પૂરો કરવા રોજ 10 કરોડની વસૂલાત કરવી પડશે. જે અશક્ય છે છતાં છેલ્લા પાંચ દાયકામાં વેરા પેટે જેટલી આવક થઇ નથી. તેથી વધુ રેકોર્ડબ્રેક આવક આ વર્ષે થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.