બપોર સુધીમાં 8727 કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ભરી કોર્પોરેશનની તીજોરીમાં રૂ.3.89 કરોડ ઠાલવી દીધા
પ્રામાણીક કરદાતાઓને પ્રોત્સાહિત કરતી રાજકોટ મહાનગરપાલિકાની વેરા વળતર યોજનાનો આજથી વિધિવત રીતે પ્રારંભ થઇ ગયો છે. બપોર સુધીમાં 8727 કરદાતાઓએ કોર્પોરેશનની તીજોરીમાં રૂ.3.89 કરોડ જમા કરાવી દીધા છે. સૌથી વધુ 7833 સ્માર્ટ કરદાતાઓએ ઓનલાઇન વેરો ભર્યો છે. સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસે કરદાતાઓની લાંબી કતારો લાગી હતી.
વર્ષ-2023-2024નો એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને આગામી 31મી સુધી 10 થી 22 ટકા સુધીનું માતબર વળતર આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજથી વેરા વળતર યોજનાનો આરંભ થઇ ચુક્યો છે. બપોર સુધીમાં 8727 કરદાતાઓએ એડવાન્સ વેરો ભરપાઇ કરી દીધો છે અને કોર્પોરેશનની તીજોરીમાં રૂ.3,87,34433 ઠાલવી દીધા છે.
અમિન માર્ગ સિવિક સેન્ટર પર 31 કરદાતાઓ, સેન્ટ્રલ ઝોન કચેરીના સિવિક સેન્ટર ખાતે 72 કરદાતાઓ, ઇસ્ટ ઝોન કચેરીના સિવિક સેન્ટર ખાતે 54 કરદાતાઓ, કોઠારીયા રોડ સિવિક સેન્ટર ખાતે 43 કરદાતાઓ, ક્રિષ્નનગર સિવિક સેન્ટર ખાતે 50 કરદાતાઓ, વેસ્ટ ઝોન કચેરીના સિવિક સેન્ટર ખાતે 84 કરદાતાઓ અને અલગ-અલગ વોર્ડ ઓફિસ ખાતે 560 કરદાતાઓએ વેરો ભરપાઇ કર્યો છે.
છેલ્લા ઘણા વર્ષોથી સતત સ્માર્ટ કરદાતાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સૌથી વધુ 7833 મિલકતધારકોએ ઓનલાઇન વેરો ભરપાઇ કરી કોર્પોરેશનની તીજોરીમાં 3.52 કરોડ ઠાલવી દીધા છે. ઓનલાઇન વેરો ભરપાઇ કરનાર કરદાતાઓ વેરામાં એક ટકો વિશેષ વળતર આપવામાં આવી રહ્યું છે. પ્રથમ દિવસે જ વેરા વળતર યોજનામાં લોકોનો જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે.