1 લાખ કે તેથી વધુનો બાકી વેરો ધરાવતા 70,000 રીઢા બાકીદારોને નોટિસ: રિકવરી સેલ માત્ર ઉઘરાણીની જ કામગીરી કરશે: ઝોનવાઈઝ બે-બે ટીમ

ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં મ્યુનિ.કમિશનર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, વર્ષોથી બાકી નીકળતું લેણુ વસુલવા માટે હવે ટેક્સ રિકવરી સેલ ઉભો કરવામાં આવશે. નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના વીતી ગયા બાદ હવે રિકવરી સેલ ઉભો કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 10 દિવસમાં આ સેલ ઉભો થઈ જશે અને માર્ચ સુધી બાકીદારો સામે પઠાણી ઉઘરાણી કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર અમીત અરોરાએ જણાવ્યું હતું કે, ટેક્સ રિકવરી સેલમાં ઝોનવાઈઝ બે-બે ટીમો બનાવવામાં આવો જે માત્ર પ્રોફેશન ટેકસ, પ્રોપર્ટી ટેકસ, વોટર ચાર્જીસ અને ડ્રેનેજ ચાર્જીસ સહિતના અલગ અલગ પ્રકારના વેરા અને ચાર્જીસની વસુલાતને લગતી કામગીરી કરશે. આ ઉપરાંત એસેસમેન્ટ સહિતની કામગીરી માત્ર ટેક્સ બ્રાંચના અન્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.

1 લાખ કે તેથી વધુનો બાકી વેરો ધરાવતા 70,000 રીઢા કરદાતાઓને નોટિસ ફટકારી દેવામાં આવી છે. આગામી 20 દિવસમાં ટેક્સ રિકવરી સેલ ધમધમતો થતાંની સાથે જ ટેક્સ રિકવરીની કામગીરી વધુ વેગવંતી બનાવવામાં આવશે. માર્ચ સુધી બાકીદારો પર ધોંસ બોલાવવામાં આવશે. નોટિસ આપવા છતાં વેરો ભરપાઈ ન કરવાની તસ્દી લેનારની મિલકત સીલ કરાશે અથવા જપ્તી નોટિસ અપાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.