ગત વર્ષે આજ દિન સુધીમાં 1,55,959 કરદાતાઓએ વળતર યોજનાનો લાભ લેતા કોર્પોરેશનની તીજોરીમાં રૂ.79.34 કરોડ ઠાલવ્યા હતા: આ વર્ષે પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં 9,315નો ઘટાડો
એડવાન્સ કરદાતાઓને પ્રોત્સાહિત કરતી વેરા વળતર યોજના હાલ ચાલી રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં કોર્પોરેશનના શાસકો દ્વારા પાણી વેરા, મિલકત વેરા, ડ્રેનેજ ચાર્જ સહિતમાં તોતીંગ વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે આ વર્ષે કરદાતાઓની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં આવકમાં વધારો નોંધાયો છે. આગામી 31મી મે સુધીમાં એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાને વેરામાં 12 થી લઇ 22 ટકા સુધીનું તોતીંગ વળતર આપવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વર્ષ-2022-2023માં વેરા વળતર યોજના અંતર્ગત 5 મે સુધીના સમયગાળામાં 1,55,959 કરદાતાઓએ વેરા વળતર યોજનાનો લાભ લેતા કોર્પોરેશનની તીજોરીમાં રૂ.79.34 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. વર્ષ દરમિયાન રેકોર્ડબ્રેક રૂ.322 કરોડની આવક થવા પામી હતી. ગત 12મી એપ્રિલથી વેરા વળતર યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજ સુધીમાં 1,46,664 કરદાતાઓએ વળતર યોજનાનો લાભ લેતા કોર્પોરેશનની તીજોરીમાં 85 કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. જેઓને 10 કરોડથી વધુનું વળતર આપવામાં આવ્યું છે.
ગત વર્ષની સરખામણીએ આજ દિન સુધીમાં વળતર યોજનાનો લાભ લેનારા કરદાતાઓની સંખ્યામાં 9,315નો તોતીંગ ઘટાડો થયો છે. પરંતુ વેરામાં વધારો ઝીંકવામાં આવ્યો હોવાના કારણે આવકમાં 6 કરોડ જેવો વધારો નોંધાયો છે. હાલ ચડત વેરામાં ઇન્સ્ટોલમેન્ટ યોજના પણ ચાલી રહી છે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં 129, ઇસ્ટ ઝોનમાં 124 અને વેસ્ટ ઝોનમાં 193 બાકીદારોએ લાભ લીધો છે. આગામી 31મી મે સુધીમાં વેરો ભરપાઇ કરનાર કરદાતાને વેરામાં 12 થી 22 ટકા સુધીનું વળતર આપવામાં આવશે. ત્યારબાદ જૂન મહિનામાં આ વળતરની ટકાવારી 7 થી 17 ટકા થઇ જશે.