આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા વિકાસ કામો માટે ગ્રાન્ટની ફાળવણી

ગુજરાત વિધાનસભાની ચુંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે રાજયની ભાજપ સરકાર પણ મતો લણવા માટે ‘વિકાસ’ કામોનું વાવેતર કરી રહી છે. આજે રાજયની મહાનગરપાલિકા નગર પાલિકા તથા સત્તા મંડળોને વિકાસ કામો માટે રૂ. 1184 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા આ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે.

આજે બપોરે 2.30 કલાકે ગાંધીનગર સ્થિત મહાત્મા ગાંધી મંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉ5સ્થિતિમાં યોજાનારા ચેક વિતરણ સમારોહમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજયની તમામ મહાનગર પાલિકાઓ, નગરપાલિકાઓ અને સત્તા મંડળોને વિકાસ કામો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રૂ. 1184 કરોડના ચેકનું વિતરણ કરવામાં આવશે.

છેલ્લા બે વર્ષથી પણ વધુ સમયથી કોરોનાના અજગરી ભરડાના કારણે ખર્ચનો બોજ વધવાના કારણે મહાપાલિકા અને નગર પાલિકાઓની આર્થિક સ્થિતિ ડામાડોળ  થઇ જવા પામી છે. પૈસાના વાંકે વિકાસ કામો પર વિપરીત અસર થઇ રહી છે. આવામાં વિકાસ સંપૂર્ણ પણે રાજય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પર નિર્ભર થઇ ગયો છે. આજે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરતા મહાપાલિકા અને પાલિકાઓને પુસ્ટર ડોઝ મળી ગયો છે. વિધાનસભાની ચુંટણીની તારીખ જાહેર થાય અને આચારસંહિતા સમયમાં આવી જાય તે પૂર્વ રાજય સરકાર બજેટમાં કરવામાં આવેલી જોગવાઇઓ મુજબ તમામ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને નાણાની ફાળવણી કરી દેવા માંગે છે.

આગામી દિવસોમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ગ્રાન્ટનો વધુ એક હપ્તો ચુકવી દેવામાં આવે તેવી સંભાવના જણાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.