ઈસ્ટ ઝોનમાં ૨, સેન્ટ્રલ ઝોનમાં ૩ અને વેસ્ટ ઝોનમાં ૪ મિલકતો સીલ
બજેટમાં આપવામાં આવેલા લક્ષ્યાંકને હાંસલ કરવા માટે મહાપાલિકાની ટેકસ બ્રાંચ દ્વારા હાર્ડ રીકવરીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એક કારખાના સહિત ૯ મિલકતોને સીલ કરી દેવામાં આવી હતી. ટેકસ બ્રાંચે સીલીંગની કામગીરી હાથ ધરતા અનેક બાકીદારોએ વેરાની રકમ ભરપાઈ કરી દીધી હતી.
ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજે ૮ મિલકતોમાં રીકવરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત દિનદયાલ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં રૂ.૯૨ હજારનો વેરો વસુલવા માટે દિનેશભાઈ કડિયા નામના આસામીનું કારખાનું જયારે ન્યુ શકિત સોસાયટીમાં એક દુકાન સીલ કરી દેવામાં આવી હતી. સેન્ટ્રલ ઝોન કચેરીની ટેકસ બ્રાંચ દ્વારા આજે શહેરના વોર્ડ નં.૧૪માં ઢેબર રોડ પર આવેલા સુપર ફર્નિચર પાસેથી રૂ.૧.૨૦ લાખનો વેરો વસુલવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે અંતર્ગત ૩ મિલકતોને સીલ કરી દેવામાં આવી હતી.
આ ઉપરાંત વેસ્ટ ઝોન કચેરીની ટેકસ બ્રાંચ દ્વારા આજે શહેરના વોર્ડ નં.૮માં સાકેત પ્લાઝામાં પ્રથમ માળે આવેલી મેસર્સ રઘુવીર સ્થાપત્યના ભાગીદારના નામે નોંધાયેલી મિલકતને સીલ કરાઈ હતી. જયારે વોર્ડ નં.૯માં ગોપાલ ચોક પાસે સાધુ વાસવાણી રોડ નજીક આદિત્ય હાઈટસ બિલ્ડીંગમાં રૂ.૧.૨૬ લાખનો બાકી વેરો વસુલવા માટે જયસુખભાઈ સંતોકી અને મુકેશભાઈ પારેખ નામના બાકીદાર સહિત ૩ની મિલકતો સીલ કરાઈ છે.