સેન્ટ્રલ ઝોનમાં 13, વેસ્ટ ઝોનમાં 15 અને ઇસ્ટ ઝોનમાં 10 મિલકતોને તાળા લગાવી દેતો રિક્વરી સેલ: રૂા.31.48 લાખની વસૂલાત
અબતક, રાજકોટ
કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રીઢા બાકીદારોની 38 મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. બપોર સુધીમાં 31.48 લાખની વસૂલાત થવા પામી છે. ટેક્સ બ્રાન્ચે ધોકો પછાડતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આજે વેરા વસૂલાત શાખાના રિક્વરી સેલ દ્વારા શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં વેરા વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.4માં તિરૂપતી બાલાજી પાર્કમાં ત્રણ કોમર્શિયલ યુનિટ સીલ કરવામાં આવ્યા હતાં. વોર્ડ નં.5માં પેડક રોડ પર રૂા.2.81 લાખની વસૂલાત કરવામાં બે કોમર્શિયલ યુનિટને સીલ કરી દેવામાં આવ્યા છે. વોર્ડ નં.7માં યોગી સ્મૃતિ કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે 3 મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે અન્ય એક કોમર્શિયલ યુનિટમાં પણ એક મિલકત સીલ કરાઇ છે. ઓ.કે. મશિનીંગમાં બાકી વેરો વસૂલવા તાળા લગાવી દેવામાં આવ્યા છે. વોર્ડ નં.9માં આલ્ફા પ્લસમાં એક ઓફિસ ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં સેલર, શિલ્પ કોમ્પ્લેક્સ કોમર્શિયલ યુનિટ સીલ કરવામાં આવ્યું છે. વોર્ડ નં.12માં શ્યામ કોમ્પ્લેક્સમાં 7 કોમર્શિયલ યુનિટ સીલ કરવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ નં.13માં સિધ્ધી વિનાયક ફોર્ડ દ્વારા બાકી માંગણા સામે સીલીંગની કામગીરી કરવામાં આવતા 7.15 લાખની વસૂલાત થવા પામી છે. વોર્ડ નં.17માં ઇન્ડસ્ટ્રીયલ યુનિટ સીલ કરવામાં આવ્યું હતું.
આજે સેન્ટ્રલ ઝોનમાં 13 મિલકતો સીલ કરવામાં આવતા રૂા.16.40 લાખની વસૂલાત થવા પામી છે. જ્યારે વેસ્ટ ઝોનમાં 15 મિલકતો સીલ કરવામાં આવતા રૂા.2.82 લાખની વસૂલાત થવા પામી છે. જ્યારે ઇસ્ટ ઝોનમાં 10 મિલકતો સીલ કરવામાં આવતા રૂા.11.26 લાખની વસૂલાત થવા પામી છે.