વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત રૂા.20.45 લાખની ટેક્સ રિક્વરી: આરોગ્ય શાખાએ 21 દુકાનોમાં કરી ચેકીંગ
અબતક, રાજકોટ
વન વીક, વન રોડ ઝુંબેશન અંતર્ગત આજે શહેરના ગોંડલ રોડ પર કોર્પોરેશનની અલગ-અલગ શાખાઓ ત્રાટકી હતી. ટેક્સ બ્રાન્ચ દ્વારા 99 આસામીઓને વ્યવસાયવેરાની સુનાવણી માટે નોટીસ ફટકારવામાં આવી છે. જ્યારે 20 આસામીઓ પાસે રૂા.20.45 લાખની વસૂલાત કરવામાં આવી છે.
ટેક્સ બ્રાન્ચ દ્વારા પાઇન વિન્ટા હોટેલ, પ્રમુખસ્વામી આર્કેટ, શિવાલીક-5ના સહિતના આસામીઓ પાસેથી ટેક્સની રિક્વરી કરવામાં આવી હતી. જ્યારે ફૂડ શાખા દ્વારા ખાણી-પીણીની 21 દુકાનોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. 4 કિલો વાસી ખોરાકનો નાશ કરી 2 વેપારીઓને ફૂડ લાયસન્સ અને અનહાઇજેનીંક ફૂડ અંગે નોટીસ આપવામાં આવી હતી. એક સ્થળેથી દૂધનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યો છે. દબાણ હટાવ શાખા દ્વારા ગોંડલ રોડ પરથી 482 બોર્ડ-બેનરો જપ્ત કરવામાં આવ્યા છે. સોલીડ વેસ્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેંકવા અને ગંદકી ફેલાવવા સબબ 11 લોકો પાસેથી રૂા.3,750, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા 11 આસામીઓ પાસેથી રૂા.4,250નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. બાંધકામ શાખા દ્વારા ટોર્મ વોટરના મેન હોલ, ડ્રેનેજના 4 મેન હોલ, 11 પાણીની વાલ્વ ચેમ્બરની સફાઇ કરવામાં આવી હતી. આ ઉપરાંત 11 ફૂટપાથ રીપેર કરાઇ હતી. અલગ-અલગ શાખાઓ દ્વારા ગેરકાયદે દબાણ ખડકનાર કે કાયદાનો ભંગ કરનાર સામે આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.