સેન્ટ્રલ ઝોનમાં 8 મિલકત, વેસ્ટ ઝોનમાં 13 મિલકત અને ઈસ્ટ ઝોનમાં 9 મિલકતોને લાગ્યા તાળા: રૂ.43.16 કરોડની રિકવરી
રાજકોટ મહાનગર પાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આજથી રીઢા બાકીદારો સામે ત્રીજુ નેત્ર ખોલવામાં આવ્યું છે. વારંવાર તાકીદ કરવા છતાં વેરો ભરવાની તસ્દી ન લેનાર બાકીદારોની 30 જેટલી મિલકતો આજે સીલ કરી દેવામાં આવતા બાકીદારોમાં દોડધામ મચી જવા પામી છે. મિલકત સીલીંગની કામગીરી હાથ ધરવામાં આવતા બાકીદારોમાં દોડધામ મચી જવા પામી છે.
ટેકસ બ્રાંચને ચાલુ નાણાકીય વર્ષમાં 248 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેની સામે આજ સુધીમાં માત્ર 171 કરોડ જેવી વસુલાત થવા પામી છે.
આજથી ટેકસ બ્રાંચે હાર્ડ રીકવરીનો દૌર શરૂ કર્યો છે. ત્રણેય ઝોનમાં આજે 14 વોર્ડમાં રિકવરી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં સેન્ટ્રલ ઝોનમાં 8 મિલકતો સીલ કરવામાં આવી છે. જ્યારે વેસ્ટ ઝોનમાં 13 મિલકત અને ઈસ્ટ ઝોનમાં 9 મિલકતોને તાળા લગાવી દેવામાં આવ્યા છે.
ટેકસ બ્રાંચે ધોકો પછાડતા સેન્ટ્રલ ઝોનમાં 12 લાખ, વેસ્ટ ઝોનમાં 25 લાખ અને ઈસ્ટ ઝોનમાં 6 લાખ રૂપિયાની વસુલાત થવા પામી હતી. આગામી દિવસોમાં પણ હવે ટેકસ રીકવરીની કામગીરી ચાલુ રાખવામાં આવશે. લાખેણા બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવશે અને જરૂર જણાશે તો જાહેર હરરાજી પણ કરાશે.