31 મિલકતોને સીલ કરાતા રૂ.1.45 કરોડની વસૂલાત: હાર્ડ રિક્વરીથી બાકીદારોમાં જબ્બરો ફફડાટ
કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા આ વર્ષે નાણાકીય વર્ષના આરંભથી જ બાકીદારો સામે ધોંસ બોલાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા એક મહિનાથી મિલકતો સીલ કરવામાં આવી રહી છે. દરમિયાન આજે હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત શહેરના અલગ-અલગ વોર્ડમાં 160 મિલકતોને ટાંચમાં લેવામાં આવી હતી. જ્યારે 31 બાકીદારોની મિલકતો સીલ કરી દેવામાં આવી છે. આજે બપોર સુધીમાં વેરા પેટે રૂ.1.45 કરોડની આવક થવા પામી છે.
મ્યુનિ.કમિશનર આનંદ પટેલે આ વર્ષે ટેક્સ બ્રાન્ચને એપ્રિલ માસથી દોડતી કરી દેવામાં આવી છે. 430 કરોડનો ટાર્ગેટ હોવા છતાં 500 કરોડથી વધુની વસૂલાતના લક્ષ્યાંક સામે રોજ હાર્ડ રિક્વરી હાથ ધરવામાં આવે છે. આજે ટેક્સ બ્રાન્ચની ટીમ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ત્રાટકી હતી. જે અંતર્ગત વોર્ડ નં.2 રૈયા રોડ પર બે મિલકતને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે અને બજરંગ વાડીમાં એક મિલકત સીલ કરવામાં આવી હતી. વોર્ડ નં.3માં સિધ્ધી વિનાયક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં 6 બાકીદારોની મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. જ્યારે વોર્ડ નં.4માં કુવાડવા રોડ પર સદ્ગુરૂધામમાં એક મિલકત સીલ કરવામાં આવી છે અને મોરબી રોડ પર ચાર મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ અપાઇ છે. વોર્ડ નં.5માં પેડક રોડ પર એક મિલકત સીલ કરાઇ હતી. વોર્ડ નં.7માં ઢેબર રોડ પર એસ.ટી.બસ પોર્ટમાં ચાર મિલકતોને સીલ કરાઇ હતી.
ગોંડલ રોડ પર સાગર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં એક યુનિટ, ભક્તિનગરમાં એક યુનિટ, લીલાવતી ચેમ્બરમાં એક મિલકત અને ગોંડલ રોડ પર ત્રણ મિલકતો સીલ કરાઇ હતી. વોર્ડ નં.8માં સોજીત્રાનગર અને રૈયા રોડ પર કિંગ પ્લાઝા કોમ્પ્લેક્સ તથા નાનામવા રોડ પર મિલકતોને તાળા લગાવી દેવામાં આવ્યા હતા. વોર્ડ નં.9માં ચંદન પાર્ક મેઇન રોડ અને સાધુ વાસવાણી રોડ પર કુલ ત્રણ મિલકતો સીલ કરવામાં આવી હતી.
જ્યારે વોર્ડ નં.10માં 150 ફૂટ રીંગ રોડ સરસ્વતી સદન, ગોલ્ડન પ્લાઝા એપાર્ટમેન્ટ, વોર્ડ નં.13માં ગોંડલ રોડ, વોર્ડ નં.14 કેવડાવાળી, વોર્ડ નં.15માં દૂધસાગર રોડ, વોર્ડ નં.16માં ગ્રીન પાર્ક અને વોર્ડ નં.17માં યોગેશ્ર્વર નગર મેઇન રોડ તથા ઢેબર રોડ પર ટેક્સ રિક્વરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત બપોર સુધીમાં કુલ 31 મિલકતો સીલ કરવામાં આવી છે અને 160 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવતા વેરા પેટે રૂ.1.45 લાખની આવક થઇ છે.