હવે ટીપી શાખા સાથે સંકલન કરી બિલમાં સુધારો કરાશે: ૧૨ થી ૧૫ કરોડનું ખોટું માંગણું ઉભુ થયું
છબરડા માટે જાણીતી મહાપાલિકાએ વધુ એક ભગો કર્યો છે. શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં ખાલી પ્લોટને મિલકત નંબર આપી દીધા હોવાનું બહાર આવ્યું છે. હવે ટીપી શાખા સાથે સંકલન કરી મિલકત વેરાનાં બિલમાં સુધારો કરવામાં આવશે. આ છબરડાનાં કારણે ટેકસ બ્રાંચનાં ચોપડે ૧૨ થી ૧૫ કરોડ રૂપિયાનું ખોટું માંગણું ઉભું થયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ટેકસ બ્રાંચ દ્વારા વર્ષ ૨૦૦૬ થી ૨૦૧૧ સુધીમાં મિલકતની આકારણી માટે જે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તેમાં શહેરની અનેક સોસાયટીઓમાં સિરિયલ વાઈઝ મિલકતોને નંબર આપવામાં આવતા હતા. ખાલી પ્લોટ કે જયાં કોઈપણ પ્રકારનું બાંધકામ કરવા માટે એક પણ ઈંટ મુકાઈ ન હતી તેને પણ મિલકત નંબર આપી દીધા હોવાનું બહાર આવ્યું છે. જેનાં કારણે ટેકસ બ્રાંચનાં રેકોર્ડ પર ૧૨ થી ૧૫ કરોડનું ખોટું માંગણું ઉભું થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાલી પ્લોટને માત્ર મિલકત નંબર આપી દેવામાં આવ્યા છે એટલું પુરતું નથી પરંતુ આ મિલકતોને છેલ્લાં ૧૩ વર્ષથી મિલકત વેરાનાં બિલો પણ બજવવામાં આવે છે અને જો નિયત સમય મર્યાદામાં બિલ ન ભરે તો નોટીસ પણ ઈસ્યુ કરવામાં આવે છે. કાર્પેટ એરિયા આધારીત મિલકત વેરાની આકારણી માટે સર્વે હાથ ધરવામાં આવ્યો ત્યારે પણ આ છબરડો ધ્યાને આવ્યો ન હતો. દરમિયાન તાજેતરમાં આ ભગો સામે આવતા હવે કરોડો રૂપિયાનાં મિલકત બિલમાં સુધારો કરવાની ફરજ ઉભી થવા પામી છે જે ૨૨૦૦ ખાલી પ્લોટને મિલકત નંબર આપી દેવામાં આવ્યા છે તે પૈકી અનેક ખાલી પ્લોટ પર હાલ બાંધકામ થઈ ગયું હોવાની પણ શંકા છે. આવામાં ટેકસ બ્રાંચ ટીપી શાખા સાથે સંકલન કરી હવે આવા પ્લોટની શોધખોળ કરવામાં આવશે અને બિલમાં સુધારો કરાશે.