હાર્ડ રિક્વરી હાથ ધરાતાં બપોર સુધીમાં 30 લાખની વસૂલાત
રૂ.340 કરોડના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા ટેક્સ રિક્વરીની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે શહેરના ત્રણેય ઝોનમાં ટેક્સ બ્રાન્ચની ટીમો દ્વારા 14 બાકીદારોની મિલકતને સીલ કરી દેવામાં આવી હતી. જ્યારે 65 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવી છે. રૂ.29.78 લાખની વસૂલાત થઇ છે.
આજે હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોનમાં 6 મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે 19 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવતા રૂ.9.24 લાખની વસૂલાત થઇ છે. જ્યારે વેસ્ટ ઝોનમાં ચાર મિલકતો સીલ કરવામાં આવી છે અને 29 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવતા રૂ.12.19 લાખની વસૂલાત થઇ છે.
જ્યારે ઇસ્ટ ઝોનમાં કુલ ચાર મિલકતોને તાળા મારી દેવામાં આવ્યા હતાં અને 17 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે. 8.35 લાખની વસૂલાત થવા પામી છે. શહેરના તમામ 18 વોર્ડમાં ટેક્સ રિક્વરીની કામગીરી શરૂ કરવામાં આવતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.