- 100 કલાકના એજન્ડાના અનુસંધાને
- રાજકોટ ગ્રામ્ય, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના 2267 અસામાજિક તત્વો પર કાર્યવાહીથી ગુનેગાર આલમમાં ફફડાટ
- રેન્જ આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ શરીર સંબંધિત, મિલ્કત સંબંધી ગુનાથી માંડી ખનન માફિયાઓ પર તોળાતા પગલાં
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પ્રજા સુરક્ષા અને સલામતી અનુભવે તેના માટે અસામાજિક તત્વો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચનાને પગલે 100 કલાકના એજન્ડા અન્વયે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં રહેતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી. અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદાકીય પગલા લેવાની સૂચનાને પગલે રાજકોટ રેન્જ હેઠળના પાંચ જિલ્લામાં ચાર દિવસમાં ગુનેગારો પર ધોસ બોલાવવામાં આવી હતી. 2267 ઇસમોની યાદી તૈયાર કરી 64 શખ્સોને પાસા તળે ધકેલવામાં આવ્યા હતા, જ્યારે 87 ગુનેગારો વિરુદ્ધ હદપારીની દરખાસ્તો તૈયાર કરવામાં આવી હતી. ઉપરાંત 378 આવારા તત્વોના અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી અંગે રાજકોટ રેન્જ દ્વારા વિગતવાર રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ રેન્જ હસ્તકના રાજકોટ ગ્રામ્ય, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના 700 બુટલેગર, 86 જુગારીઓ, 1106 શરીર સંબંધિત ગુના આચરતા આરોપીઓ, 171 મિલકત સંબંધીત ગુના આચરતા આરોપીઓ, 62 ખનન માફિયા સહિત કુલ 2267 ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી હતી. બાદ 64 શખ્સો વિરુદ્ધ પાસાની દરખાસ્ત જ્યારે 87 ઈસમો વિરુદ્ધ હદપારીની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. કુલ 378 વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા. ઉપરાંત ગેરકાયદે ખનન કરતા 12 ખનન માફિયાની ચકાસણી કરી પાંચ વિરુદ્ધ ખાણ ખનીજ વિભાગ સાથે સંકલન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં 277 અસામાજિક તત્વોની મિલકતની ચકાસણી કરવામાં આવી હતી. જે બાદ વહીવટી તંત્ર સાથે સંકલન કરી 19 અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ઉપરાંત પીજીવીસીએલ તંત્ર સાથે સંકલન કરી 553 ઈસમોના મકાનનું ચેકિંગ હાથ ધરી 378 વીજ કનેક્શન કાપી કુલ રૂ. 2,66,22,582 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત જામનગર જિલ્લામાં 60 કેસો તેમજ રાજકોટ ગ્રામ્યમાં બે કેશો દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત દ્વારકા જિલ્લામાં જુગાર ધામનો એક કેસ, પ્રોહીબિશનના ચાર કેસ, એમવી એક્ટ હેઠળના કેસો કરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લામાં એમવી એક્ટ હેઠળ 75 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા, જ્યારે પ્રોહીબિશનના 147 અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના આઠ કેસો કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ત્રણ કેસ કરવામાં આવ્યા હતા. જયારે રાજકોટ ગ્રામ્યમાં ભાડુઆત જાહેરનામા ભંગના 20 કેસો, સરતી જામીન રદ કરવા કોર્ટમાં સાત રિપોર્ટ કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં એમવી એક્ટ હેઠળ 146 કેસોં કરી રૂ. 64700નો દંડ ફટકારવામાં આવ્યો હતો.