તાઉતે વાવાઝોડુ આગામી થોડાં કલાકોમાં હજુ વધુ તીવ્ર બને તેવી આગાહી ભારતીય હવામાન વિભાગે (IMD) કરી છે. દહેશત વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે વાવાઝોડુ આગામી 24 કલાકમાં ખૂબજ તીવ્ર બની શકે છે અને આ આજ સાંજ સુધી ગુજરાતના દરિયા કાંઠે પહોંચે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગ અનુસાર તાઉતે વાવાઝોડું પોરબંદરથી ભાવનગરના મહુવા વચ્ચેના વિસ્તારોમાં વધુ ઝડપભેર ટકરાઈ શકે. આ તોફાનને લઈ રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તાઉતે વેરી સિવિયર સાઈક્લોન સ્ટ્રોમમાં ફેરવાયું છે. આથી જોખમ વધુ ઉભું થયું છે.
માછીમારોને આગામી 5 દિવસ માટે દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે અને મરીન પોલીસ તથા કોસ્ટગાર્ડને દરિયામાં રહેલ માછીમારોની બોટોને પરત બોલાવવા જરૂરી સૂચનાઓ આપી છે. અત્યાર સુધીમાં 1977 બોટો પરત આવી ગઈ છે. મીઠાના અગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. દરિયાકાંઠાના જિલ્લામાં જિલ્લા કલેકટરના સંભવિત સંવેદનશીલ ગામોના આશ્રયસ્થાનો પર આરોગ્યની ટીમો તૈનાત કરાઈ છે અને સ્થળાંતર વેળાએ કોવિડ-19ના પ્રોટોકોલ મુજબ નાગરિકોને સ્થળાંતરિત કરવામાં આવે તેની પણ કાળજી રખાશે.
તાઉતે દ્વારા તબાહી શરૂ; અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી, લાઈટ ગુલ
સૌરાષ્ટ્ર-ગુજરાત પર મંડરાઈ રહેલા તાઉતે વાવાઝોડાની તબાહીની અસરો શરૂ થઈ ગઈ છે. ગત સાંજે ભારે પવન સાથે વરસાદી ઝાપટા શરૂ થતા રાજકોટ-સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા તો ઠેકઠેકાણે વિજપુરવઠો ખોરવાતા વિસ્તારોમાં અંધારપટ્ટ છવાયો હતો. લાઈટ ગુલ થઈ જતા ઠેર ઠેરથી વિજવિભાગમાં ફરિયાદોનો ધોધ વરસ્યો હતો. તાઉતેના ભારે પવનની ગતિએ વૃક્ષો નષ્ટ કરતા તંત્ર દ્વારા હટાવ કામગીરી પણ શરૂ કરાઈ છે. તો આગામી વધુ ખતરાને ટાળવા બચાવ, રાહત કામગીરી ટીમ તૈનાત કરી દેવાઈ છે.