- ટેસ્લાએ ટાટા સાથે કર્યા મહત્વપૂર્ણ કરાર: ટેસ્લાની કારમાં ટાટાની ચિપ જ લાગશે
- ટેસ્લા ભારતમાં કાર બનાવી બીજા અનેક દેશોમાં તેની નિકાસ કરશે
- કારની સાથે બેટરી સ્ટોરેજ સિસ્ટમનું ઉત્પાદન અને વેચાણ કરશે
- ટેસ્લાની સાથે સ્ટારલીન્કની પણ ભારતમાં થશે એન્ટ્રી
નેશનલ ન્યૂઝ : ભારત સેમીકંડકટર ક્ષેત્રે અત્યાર સુધી બીજા ઉપર નિર્ભર હતું. પણ સરકારમાં આત્મનિર્ભર ભારત અભિયાનનું બળ મળતા અનેક ખાનગી કંપનીઓએ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. તેમાના એક ટાટા ગ્રુપે ખૂબ ટૂંકા ગાળામાં કાંઠુ કાઢતા ટેસ્લાએ તેની સાથે મહત્વના કરાર કર્યા છે.
હવે ટાટા ઈલેક્ટ્રોનિક્સ ટેસ્લાની તમામ કાર માટે સેમિક્ધડક્ટર ચિપ્સ બનાવશે. અહેવાલ મુજબ, અમેરિકન ઈલેક્ટ્રિક વાહન નિર્માતા ટેસ્લાએ તેની વૈશ્વિક કામગીરી માટે ટાટા સાથે વ્યૂહાત્મક કરાર કર્યા છે. આ ડીલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે ટેસ્લાના માલિક એલોન મસ્ક ભારત આવવાના છે. મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે. સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે તેમની મુલાકાત 22 થી 27 એપ્રિલની વચ્ચે થઈ શકે છે.
આ સમય દરમિયાન, મસ્ક ભારતમાં ટેસ્લાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની જાહેરાત કરી શકે છે. મસ્કે એક્સ પોસ્ટમાં લખ્યું – પીએમ મોદીને મળવાની રાહ જોઈ રહ્યો છું. આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. આ પહેલા મસ્ક પીએમ મોદીને બે વખત મળ્યા હતા.
3 એપ્રિલના રોજ, બ્રિટનના ફાઇનાન્સિયલ ટાઇમ્સે અહેવાલ આપ્યો હતો કે ટેસ્લા આ મહિને એક ટીમ ભારત મોકલશે, જે ભારતમાં 2 થી 3 બિલિયન ડોલરના રોકાણ સાથે ઇલેક્ટ્રિક કાર ઉત્પાદન પ્લાન્ટ માટે જગ્યા શોધશે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે ટીમનું ધ્યાન મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા ઓટોમોટિવ હબ રાજ્યો પર રહેશે. તેનું કારણ આ રાજ્યોના બંદરો છે, જ્યાંથી કારની નિકાસ સરળ બનશે.
ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક કારની સાથે બેટરી સ્ટોરેજ સિસ્ટમનું ઉત્પાદન અને વેચાણ કરવા માંગે છે. કંપનીએ આ માટે ભારતીય સત્તાવાળાઓને પ્રસ્તાવ આપ્યો હતો.
મસ્ક ભારતમાં 2-3 બિલિયન ડોલરનું રોકાણ કરશે
અહેવાલમાં જણાવ્યા મુજબ એલોન મસ્ક ભારતમાં 2-3 બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના જાહેર કરશે. ટેસ્લા માત્ર ભારત માટે જ કાર બનાવવા માંગતી નથી, પરંતુ તેને અહીંથી વૈશ્વિક બજારમાં નિકાસ કરવા પણ માંગે છે. આ સિવાય મસ્ક ભારતમાં ટૂંક સમયમાં સેટેલાઇટ આધારિત બ્રોડબેન્ડ સેવાઓ પણ શરૂ કરી શકે છે. અહેવાલમાં જણાવ્યા મુજબ સ્ટારલીન્ક માટે નિયમનકારી મંજૂરીઓ અંતિમ તબક્કામાં છે અને કંપનીને ટૂંક સમયમાં લાઇસન્સ મળવાની અપેક્ષા છે.