- દેશમાં ઇ-વ્હિકલ ક્ષેત્રે અગ્રેસર બનવા ગુજરાત સજ્જ
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ટાટા ગૃપની સબસીડીયરી કંપની અગ્રતાસ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન પ્રા. લિ. અને રાજ્ય સરકાર વચ્ચે એમઓયું
ગુજરાત હવે ઇ-વ્હિકલ ક્ષેત્રે અગ્રેસર બનવા સજ્જ થયું છે. સરકારે આ માટે પ્રોત્સાહનો આપી વધુમાં વધુ ઉદ્યોગોને આકર્ષી રહી છે. જેના ભાગરૂપે હવે ટાટા ગુજરાતમાં 13 હજાર કરોડના ખર્ચે લીથીયમ બેટરીનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે.
ગુજરાત દેશમાં લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગનું અગ્રણી રાજ્ય બનવા સજ્જ થયું છે. આ હેતુસર લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરીની સ્થાપના માટે ગુજરાત સરકાર અને ટાટા ગૃપ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતીમાં એમઓયું સંપન્ન થયા હતા.
નવી ઇલેક્ટ્રોનિકસ પોલિસીની ફલશ્રુતિ રૂપે ટાટા ગ્રુપ સાથે આ એમઓયું કરવામાં આવ્યા છે. ટાટા ગૃપની સબસીડીયરી કંપની અગ્રતાસ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન પ્રાયવેટ લિમિટેડના સીઇઓ અને ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ આ એમઓયું પર હસ્તાક્ષર કરી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એમઓયુંની પરસ્પર આપ-લે કરી હતી. ગુજરાતે આ ગીગા ફેક્ટરીની સ્થાપનાના એમઓયું થી નવી દિશા આપી છે. ગીગા ફેક્ટરી ભારતમાં આ પ્રકારનો પ્રથમ લિથિયમ આયન સેલ ઉત્પાદન પ્લાન્ટ ગુજરાતમાં કાર્યરત કરશે.
13000થી વધુ લોકોને મળશે રોજગારી
આ પ્લાન્ટમાં અંદાજે ૧૩ હજાર કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણ સાથે ર૦ ગીગા વોટની ઉત્પાદન ક્ષમતા હશે અને પ્રત્યક્ષ તથા પરોક્ષ મળીને ૧૩ હજારથી વધુ લોકોને રોજગાર અવસર આ પ્લાન્ટને પરિણામે મળતા થશે. ગુજરાત સરકાર ઇલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન વધારીને કાર્બન ઉત્સર્જન રહિત ઊર્જા-ગ્રીન ક્લિન એનર્જી વધારવા અને ફોસિલ ફ્યુઅલ ક્ન્ઝમ્પશન ઘટાડી કાર્બન ઉત્સર્જન ઘટાડવાના વિઝન માટે પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં ઇ.વી નો વપરાશ વધવાની સાથે લિથિયમ-આયન બેટરી પરની નિર્ભરતા પણ નોંધપાત્ર રીતે વધશે, તેવો સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
બેટરી મેન્યૂફેક્ચરીંગ ઈકો સિસ્ટમ સ્થાપિત થશે
ટાટા ગૃપના આ પ્લાન્ટની સ્થાપનાથી ગુજરાત લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગમાં અગ્રણી રાજ્ય બનશે તેમજ રાજ્યમાં બેટરી મેન્યૂફેક્ચરીંગ ઇકો સિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ મળશે. ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટની સફળતા માટે રાજ્ય સરકારના સહયોગની તત્પરતા આ તકે વ્યકત કરી હતી. આ એમઓયું સાઇનીંગ દરમિયાન મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તથા ટાટા ગૃપના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા.