ટાટા ભારતીય બજારમાં કાર વેચનારી સૌથી મોટી કંપનીઓમાંની એક છે. વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સે ગુજરાતના સુરતમાં રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી શરૂ કરી છે. અહીં કંપનીએ તેના ઓપરેશન માટે શ્રી અંબિકા ઓટો સાથે ભાગીદારી કરી છે. ઉલ્લેખનીય છે કે, આ ઓવરઓલ ટાટા મોટર્સની ત્રીજી વ્હીકલ સ્ક્રેપિંગ ફેક્ટરી છે.
આ વર્ષની શરૂઆતમાં, કંપનીએ રાજસ્થાનના જયપુરમાં પ્રથમ ફેક્ટરી શરૂ કરી હતી અને ત્યારબાદ ઓડિશાના ભુવનેશ્વરમાં બીજી ફેક્ટરી શરૂ કરી હતી. અહીં દર વર્ષે 15 હજારથી વધુ વાહનો સ્ક્રેપ થશે.
15 વર્ષથી જૂના કોમર્શિયલ વાહનો અને 20 વર્ષથી જૂના પેસેન્જર વાહનોને સ્ક્રેપ કરાશે
ટાટા મોટર્સે જણાવ્યું હતું કે, આ અત્યાધુનિક ફેક્ટરીનું નામ ‘રિસાઇકલ વિથ રિસ્પેક્ટ’ છે અને તે દર વર્ષે 15 હજારથી વધુ વાહનોને સ્ક્રેપ કરવાની ક્ષમતા ધરાવે છે. આ સુવિધા કોમર્શિયલ અને પેસેન્જર વાહનો માટે સેલ ટાઇપ અને લાઇન ટાઇપ ડિસ્પોઝલ પ્રક્રિયા સાથે ડિજિટાઇઝિંગ અને કાર્યક્ષમતા વધારવામાં ખૂબ આગળ વધશે.
આ ઉપરાંત કારખાનામાં ટાયર, બેટરી, ઈંધણ, તેલ અને ગેસ સહિતના વાહનોના કમ્પોનન્ટને તોડી પાડવા માટે વિશેષ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં વાહન સ્ક્રેપેજ નીતિ માર્ચ, 2021માં રજૂ કરવામાં આવી હતી. આ મુજબ 15 વર્ષથી જૂના કોમર્શિયલ વાહનો અને 20 વર્ષથી જૂના પેસેન્જર વાહનોને સ્ક્રેપ કરવા જરૂરી છે.
આ માપદંડોને પૂર્ણ કરતા વાહનોને બ્રેકની ગુણવત્તા અને એન્જિન પ્રદર્શન જેવા મહત્વના પરિબળોનું મૂલ્યાંકન કરતી ફિટનેસ અને ઉત્સર્જન ટેસ્ટમાંથી પસાર થવું જરૂરી છે. જો તેઓ આ ટેસ્ટમાં નિષ્ફળ જાય તો તેઓ રસ્તા પર વાહન ચલાવવા માટે અયોગ્ય ગણાય છે.