વીજળી સંકટને ખાળવા સરકારે આપી છૂટછાટ
ગુજરાતની દૈનિક વીજ માંગ 18,000 મેગાવૉટ, વીજળીની કટોકટી તો નથી પણ માત્ર ભારણ હોવાનું જાહેર કરતી સરકાર
અબતક, નવી દિલ્હી : ભારત સહિત વિશ્વમાં અત્યારે કોલસાના વધી રહેલા ભાવ અને અછતને લઇને કોલસા આધારિત વીજ ઉત્પાદન પ્રવૃત્તિમાં ભારે મોટા અવરોધ અને પડકારો ઊભા થયા છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક નિયમોમાં છુટછાટ આપીને દેશના વીજળી ઉત્પાદક એકમોને આયાતી કોલસાના ઉપયોગ અને તેના બદલામાં વીજળી વેચવા જેવા નિયમોનો અમલ કરવાનું નક્કી કર્યું છે.
સરકારે શુક્રવારે પોલીસીમા સુધારા કરીને તાત્કાલિક ધોરણે પાવર પ્લાન્ટ શરૂ થાય તેવો નિર્ણય લીધો છે અને જે કંપનીઓ પાસે આયાતી કોલસાનો જથ્થો પડયો હોય તેના દ્વારા પાવર પ્લાન્ટનું સંચાલન કરવાને લીલી ઝંડી આપી છે. જેનાથી સરેરાશ વીજળી ઉત્પાદન ખર્ચ ઓછો થશે અને વીજળીની અછત પણ દૂર થશે. અદાણી પાવર અને ટાટા પાવર પાસે મોટી માત્રામાં આયાતી કોલસાનો જથ્થો ઉપલબ્ધ છે. સરકારે આયાતી કોલસાના ઉપયોગની પરવાનગી આપી છે.
અત્યારે સરકારના પાવર પ્લાન્ટ પાસે માત્ર એક બે દિવસ જ ચાલે એટલો કોલસો હોવાની પરિસ્થિતિમાં સરકારે હવે અદાણી અને ટાટા ને પોતાનો આયાતી કોલસાનો જથ્થો વાપરવાની અને પાવર પ્રોજેકટને ધમધમતા કરવાની છૂટ આપી છે અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાનો ભાવ ૧૫૦ ડોલર પ્રતિ ટને પહોંચી ચૂકયો છે ત્યારે કેન્દ્રીય ઊર્જા મંત્રાલયે નવી ગાઇડલાઇન બહાર પાડીને ઈમ્પોર્ટેડ કોલસાના વપરાશને છૂટ આપી છે.
દુનિયામાં કોલસાનો ચોથો સૌથી મોટો ભંડાર ભારતમાં છે, પરંતુ ખપતને કારણે ભારતે કોલસાની આયાત કરવી છે. કોલસાની આયાત કરવામાં ભારત દુનિયામાં બીજા નંબર પર છે. જે સામાન્ય રીતે જે પાવરપ્લાન્ટ્સ આયાત કરવામાં આવેલા કોલસા પર આધારિત હતા, હવે તે દેશમાં ઉત્પાદિત કોલસા પર આધાર રાખે છે; જ્યારે બીજી તરફ પહેલાંથી જ કોલસાની અછત હતી.
દેશમાં નેચરલ ગૅસના વધેલા ભાવ અને કોલસાની તંગીને કારણે ગુજરાતમાં વીજળીના પુરવઠા પર અસર પડી હોવાના અહેવાલ છે. વીજ અધિકારીઓએ કહ્યું હતું કે ગુજરાતમાં સરકારના થર્મલ પાવરપ્લાન્ટ હાલ પ્લાન્ટ લોડ ફૅક્ટરની 50 ટકા ક્ષમતા પર કામ કરી રહ્યા છે.ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડનાં મૅનેજિંગ ડિરેક્ટર શમીમા હુસૈને કહ્યું હતું કે ગુજરાતમાં વીજળીની કોઈ અછત નથી. દેશમાં કોલસાની તંગીને જોતાં વીજતંત્ર પર ભારણ છે, પરંતુ અમે પાવર સપ્લાય જાળવી રાખ્યો છે.ગુજરાતની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 29,000 મેગાવૉટ છે, હાલ પીકના કલાકોમાં વીજળીની તંગી સર્જાઈ રહી છે. આ સમયમાં, ગુજરાતે પાવર ઍક્સચેન્જથી મોંઘા ભાવે વીજળી ખરીદવી પડે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દૈનિક વીજની માગ 18,000-19,000 મેગાવૉટ વચ્ચે રહેતી હોય છે. ગુજરાત પાસે અત્યારે 29 હજાર મેગાવૉટ વીજઉત્પાદનની ક્ષમતા છે, આમાંથી 19 હજાર મેગાવૉટ વીજળી થર્મલ, ગૅસ અને હાઇડ્રો પાવરપ્લાન્ટ્સમાંથી મળે છે. બાકીની ઊર્જા પુનઃપ્રાપ્ય સ્રોતોથી મળે છે.