રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સપ્ટેમ્બર માસમાં લેવામાં આવેલી ધોરણ-11 અને 12ની સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની અભિરૂચી કસોટી- ઉચ્ચતર માધ્યમિક મેઈન્સનું પરિણામ 30 નવેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવશે. TAT-HS મેઈન્સની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી 44 હજાર જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા જ્ઞાન સહાયકની ભરતી માટેની કાર્યવાહી હાથ પર લેવામાં આવશે. રાજ્યમાં આવેલી સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યા પર જ્યાં સુધી કાયમી ભરતી કરવામાં ન આવે ત્યાં સુધી પ્રવાસી શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવતો હતો.
સમગ્ર રાજ્યમાંથી 44 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા
જોકે, તાજેતરમાં જ શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષક યોજના રદ કરી તેના સ્થાને જ્ઞાન સહાયકની નિમણુંક કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્ઞાન સહાયકની નિમણુંક માટે દ્વીસ્તરીય પરીક્ષાના આધારે પસંદગી કરવાનું નકકી કરાયું હતું અને તેના માટે રાજ્ય પરીક્ષા બોર્ડને પરીક્ષા લેવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક માટે પરીક્ષાનું આયોજન કરી પરિણામ જાહેર કર્યું હતું.
જેના આધારે જ્ઞાન સહાયકની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધોરણ-11 અને 12માં પણ જ્ઞાન સહાયક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દ્વીસ્તરીય પરીક્ષા લેવામાં આવી છે. આ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મેઈન્સની પરીક્ષા લેવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેનું પરિણામ જાહેર કરાયું ન હોવાથી ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકની ભરતી થઈ નથી.