રાજકોટ જિલ્લામાં કુલ 24 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા માટે નોંધાયા હોય શહેરમાં જુદી જુદી શાળાઓના 90 જેટલા બિલ્ડિંગ ફાળવાયા
ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટે ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા આગામી તારીખ 6 ઓગસ્ટને રવિવારે લેવાનાર છે. સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજકોટમાં જ આ પરીક્ષાનું કેન્દ્ર હોવાથી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના ઉમેદવારોએ આ પરીક્ષા આપવા રાજકોટ આવવું પડશે. કુલ 24 હજાર જેટલા ઉમેદવાર રાજકોટમાં પરીક્ષા આપવા માટે નોંધાયા હોય શહેરમાં જુદી જુદી શાળાઓના 90 જેટલા બિલ્ડિંગ લેવામાં આવ્યા છે.
આ તમામ પરીક્ષા કેન્દ્રોમાં તમામ વ્યવસ્થા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.ગુજરાત રાજ્યની હાયર સેકન્ડરી શાળાઓમાં શિક્ષક બનવા માટેની ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટેની શિક્ષક અભિરુચિ કસોટી (ટીચર્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ – હાયર સેકન્ડરી) આગામી તારીખ 6 ઓગસ્ટને રવિવારે આયોજિત કરવામાં આવી છે. વિવિધ 20 વિષયોના શિક્ષક બનવા માટેની આ ટેસ્ટ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોના 452 સેન્ટરમાં લેવાશે.
એકાઉન્ટ એન્ડ કોમર્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી, કમ્પ્યૂટર, ઇકોનોમિક્સ, અંગ્રેજી, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, ઈતિહાસ, કૃષિવિદ્યા, ગણિત, ફિલોસોફી, ફિઝિક્સ, સાઇકોલોજી, સંસ્કૃત, સોશિયોલોજી, સ્ટેટ, ફિઝિકલ એજ્યુકેશન સહિત વિવિધ 20 વિષયની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.