ધોરણ 9થી 12મા શિક્ષક બનવા માટે આજથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે
શિક્ષણ વિભાગ દ્વારા ટાટની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ આગામી 4 જૂને પ્રીલિમનરી પરીક્ષા લેવામાં આવશે. તો 18 જૂને મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.
દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ રહેશે ટાટની પરીક્ષા માટે આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરુઆત થશે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે. 29 એપ્રિલે શિક્ષણ વિભાગ દ્વારા ટાટની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારને લઈને પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે પહેલી પરીક્ષા પાસ કરનારને જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે. ટાટની પરીક્ષા પદ્ધતિ હવે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ રહેશે. જેમાં પહેલી પરીક્ષા વૈકલ્પિક પ્રશ્નોની રહેશે. જ્યારે બીજી પરીક્ષા વર્ણનાત્મક રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે આ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ટાટની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવતા હવે નિયમ મુજબ બે પરીક્ષા લેવામાં આવશે. (1) શિક્ષક અભિરૂચિ કસોટી માધ્યમિક (2) શિક્ષક અભિરૂચી કસોટી ઉચ્ચતર માધ્યમિક. ત્યારે આ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવશે. ત્યારે પ્રથમ પરીક્ષામાં પાસ થયા બાદ જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 23 એપ્રિલે ગુજરાતભરમાં ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (ટેટ-2)ની પરીક્ષા યોજાવા આવી હતી. અંદાજે 2 લાખ 76 હજાર ઉમેદવારો પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતી માધ્યમના 2 લાખ, 65 હજાર, 791 ઉમેદવારો, અંગ્રેજી માધ્યમના 6 હજાર 113 ઉમેદવારો અને હિન્દી માધ્યમમાં 4 હજાર, 162 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. મહત્વનું છે કે, ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટે ફરજિયાત ટેટ 2ની પરીક્ષા 6 વર્ષ બાદ લેવામાં આવી હતી. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.
16 એપ્રિલે રાજ્યભરમાં ટેટ-1ની પરીક્ષા લેવાઇ હતી. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અને કોઇ ગરબડી વિના આ પરીક્ષાપૂર્ણ થતાં પરીક્ષાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. આ પરીક્ષા માટે કુલ 86 હજાર જેટલા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે પૈકી 73, 279 ઉમેદવારો હાજર રહ્યા. જ્યારે 12762 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.