ગોંડલ ગુજરાતનું ગૌરવ
એક સમયે ગોંડલના ગુંડા, ગઠીયા અને ગાંઠીયા વખણાતા હતા. સમયના ચક્રમાં ગુંડાઓ ભો-ભિતર બની ગયા છે. (કેટલાક ગેંગસ્ટરો હજુ છે) ગઠીયાઓ એ સ્થળાંતર કર્યું છે. હા… ગાંઠીયા હજુ પણ સદાબહાર છે. આ બધા વચ્ચે દરબારના ભજીયા અણનમ ઉભા છે. છેલ્લા એંસી વર્ષથી દરબાર ભજીયાવાળાની પેઢીએ ભજીયાના સ્વાદને ચટાકેદાર રાખ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી માંડી સંગીત બેલડી કલ્યાણજી આણંદજી અને અનેક નામી ફિલ્મ કલાકારોએ ભજીયાનો ચટાકેદાર સ્વાદ માણ્યો છે. તારક મહેતાની ટીમ પણ મહેમાન બની ચૂકી છે. તો ગુજરાતી ફિલ્મ સાથીયા પુરાવો રાજમાં એકગીતની લાઈન દરબાર ભજીયાવાળા પર ફિલ્માવાઈ છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં ગોંડલના ઉલ્લેખ સાથે દરબારના ભજીયા જાણે વણાઈ ચૂકયા છે. વરસાદનાં ભીના ભીના દિવસો કે શિયાળાના સુસવતા દિવસોમાં ભજીયા ‘હોટ ટોનીક’ બને છે.
મૂળ આણંદ (ગુજરાત)ના પ્રતાપસિંહ ઉદયસિંહ વાઘેલાએ ગોંડલને કર્મભૂમી બનાવી અને છેક રાજવીકાળથી દેશી ઓસડીયાના પૂરણથી ભરપુર મસાલા ભરેલા બટેટાવડ કે ભરેલ મરચા સહિતના વિવિધ ભજીયાની દાસ્તાન શરૂ થઈ, પ્રતાપસિંહ બાપુની આજે પાંચમી પેઢી ‘બ્રાન્ડનેઈમ’બનેલા ભજીયાના સ્વાદને બરકરાર રાખી રહી છે. પરિવારનાં મોભી રવુભા, યશવંતસિંહ, રઘુવીરસિંહ, ઘનશ્યામસિંહ, મહેન્દ્રસિંહ, અજયસિંહે ભરેલા મરચા, બટેટાવડા, લસણીયા બટેટા, વાટીદાર, પતરી, ફુલવડી સહિતના ભજીયા અને અઠવાડીયામાં બે વાર બનતાં સમોસાનાં સ્વાદને છેક ખુશ્બુ ગુજરાત કી વાઈબ્રન્ટ ગુજરાત સુધી પહોચતો કર્યો છે.
રાજકોટ કે એથી આગળથી આવતા પ્રવાસીઓ ચાહે પોરબંદર, જૂનાગઢ, વેરાવળ સોમનાથ કે દિવ જતા આવતા હોય ગોંડલમાં દરબારના ભજીયાનો સ્વાદ માણવા તેમના વાહનોને અચુક બ્રેક લાગે, ભજીયના સ્વાદમાં એવી તો ખુબી શું છે?
દરબાર ભજીયાવાળા રવુભા કહે છે કે અમારા ભરેલા મરચાનાં ભજીયા ફેમસ છે તેનો મસાલો ઘરે જ બનાવીએ છીએ. મસાલામાં બઈડા, હેંડા, આમળા સહિતની ઔષધીઓનો ઉપયોગ થાય છે. આ પુરણથી ભરેલા રીંગણા, ભરેલ ભીંડા, કારેલા સહિતના ભરેલા શાક પણ સ્વાદ અને સોડમથી ભરપૂર બને છે. આ પુરણ છેક દેશ વિદેશમાં પહોચે છે. ભજીયાની સાથે પૂરણની પણ ભારે માંગ છે. ભરેલા મરચા કે ભજીયા સાથે પીરસાતી ખજૂર લીલાસુકા મરચાની ચટણી લીજજતથી ખાઓ તેની એસીડીટી સહિત કોઈ આડ અસર થતી નથી.
આજ ખુબી છે દરબારના ભજીયાની સ્વાદમાં જેમ લિજજતદાર તેમ પચાવવામાં પણ એકદમ સરળ. વાઈબ્રન્ટ ગુજરાત સમીટ વેળા અમદાવાદ ખાતે બે વર્ષ દરબાર ભજીયાનો સ્ટોલ લાગેલો, તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભજીયાના સ્ટોલની મુલાકાત લઈ ભજીયાનો સ્વાદ માણેલો હતો. મોદીજીએ ભજીયાની રેસીપી અંગે પણ જાણકારી મેળવી હતી.
મશહુર કોમેડીયન મહેમુદ, કેસ્ટો મુખર્જી, રાજપાલ યાદવ, અમજદખાન, સહિતનાં ફિલ્મી કલાકારો ગોંડલ દરબારના ભજીયાનો સ્વાદ માણી ચૂકયા છે. સંગીતકાર કલ્યાણજી આણંદજી વતન કચ્છમાં આવે ત્યારે ગોંડલ અચુક ભજીયાનો સ્વાદ માણવા આવતા હતા.
ગુજરાતી ફિલ્મ ‘સાથીયા પૂરાવો રાજ’માં સૌરાષ્ટ્રની પ્રખ્યાત વાનગીઓ સાથેના ક્ધસેપ્ટ વાળા ગીતમાં ગોંડલમાં દરબાર ભજીયાવાળાને ત્યાં શુટીંગ થયેલું.
ગુજરાતી ફિલ્મના કલાકારો નરેશ કનોડીયા, રોમા માણેક, રમેશ મહેતા, મંજરી દેશાઈ, ફિરોઝ ઈરાની સહિત દરબારના ભજીયાનો ચટાકેદાર સ્વાદ માણી ચૂકયા છે.
ટીવીની લોકપ્રિય સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના હાથીભાઈ, સોઢી, પત્રકાર પોપટલાલ અને દાદાજી ચંપકલાલ સહિતની ટીમ પણ ભજીયાનો સ્વાદ માણી ચૂકી છે.
ગોંડલના રેલવે સ્ટેશન ચોકમાં દરબાર ભજીયા વાળાની દુકાને સાંજે ચારથી રાત્રીના અગીયાર સુધી સ્વાદની સોડમ મોઢામાં પાણી લાવી દયે, ખાસ કરીને બહારગામથી આવતા ભજીયા શોખીનોનો ઘસારો વધુ જોવા મળે છે.ગોંડલની મુલાકાત સાથે અનોખી ખ્યાતિ ધરાવતા દરબારના ભજીયાનો સ્વાદ માણવો જરૂરી છે.