સીસીટીવીમાં ચાર તસ્કરોના ફુટેજ મળ્યા: વેપારીઓમાં ફફડાટ
મેટોડા જીઆઈડીસીમાં ગતરાત્રેએક સાથે ૧૦ દુકાનોમાં ચોર ત્રાટકતા વેપારીઓમાં ફફડાટ અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શટર વચ્ચેથી ઉચકાવી ત્રાટકવા ચાર તસ્કરો કુલ ૪૨ હજારની રોકડ ચોરી કરી ગયા હતા. તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાતેના આધારે ઓળખ મેળવવા પોલીસ પ્રયાસો કરી રહી છે.
જાણવા મળતી વિગત મુજબ મેટોડાજીઆઈડીસી પાસે ગેઈટ નંબર ૩માં આવેલા ફોરચ્યુન ગોલ્ડ, મારૂતિ અને બાલાજી કોમ્પ્લેક્ષમાં સ્થિત દસ દુકાનમાં મધરાતે ત્રણેક વાગ્યે ચાર તસ્કરોની ટોળકી ત્રાટકી હતી. બે તસ્કરોએ મોઢા પર હુકાની બાંધી હતી. જયારે બેના ચહેરા ખુલ્લા હતા. આ તસ્કર ટોળકીએ ત્રણેય કોમ્પલેક્ષની ૧૦ દુકાનોમાં શટર તાળાને અડકયા વગર કોઈ ઓજારની મદદથી વચ્ચેથી ઉંચકાવી અંદર પ્રવેશી ચોરી કરી હતી.છ દુકાનોમાંથી કુલ ૪૨ હજારની રોકડ ચોરી કરી હતી. જયારે ચાર દુકાનોમાંથી કોઈ મળ્યું ન હતું. સવારે ચોરીની જાણ થતાં વેપારીઓમાં ફફડી ઉઠયા હતા. તત્કાલ જાણ કરતાં લોધીકા પોલીસ સ્થળ પર પહોંચી હતી.
જયાં ચોરી થઈ તેમાંથી બે દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થઈ ગયા છે જે ફુટેજ મેળવી પોલીસે તસ્કરોની ઓળખ મેળવવા તજવીજ આદરી છે. લોધીકા પોલીસે ઉજજવલ નરેન્દ્રભાઈ કાલરીયા કે જેની ફોરચ્યુન ગોલ્ડ કોમ્પ્લેક્ષમાં ઉમિયા મોબાઈલ નામની દુકાન છે તેને ફરિયાદી બનાવ્યો છે. તેની દુકાનમાંથી તસ્કરો ૩૦ હજારની રોકડ રકમ ચોરી કરી ગયા હતા. અન્ય દુકાનમાંથી રૂ.૧૨ હજારની મતા મળી રૂ. ૪૨,૪૦૦ની મતાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે.