કલ્પ એન્ટરપ્રાઇઝ, અવધ એગ્રી ઇમ્પેક્ષ, અનંત સીડઝ સહિતની ઇન્ડસ્ટ્રીઝમાંથી ૩.૪૧ લાખની ઉઠાતરી, શહેરમાં છેલ્લા એક મહિનામાં ચોરીના અનેક બનાવો જો કે, એક પણ ગુનાનો ભેદ ઉકેલાયો નથી
કેશોદમાં પોલીસને પડકાર ફેંકતી તસ્કર ગેૅગ સક્રિય હોય તો ચાર કારખાનાઓમાં ત્રાટકી ત્રણ લાખ એકતાલીસ હજાર આઠસોની રોકડ રકમની ચોરી કરી છે.
કેશોદમાં ગત રાત્રીના ચાર કારખાનાઓમાં ચોરી થઇ હોવાનો બનાવ બન્યો હતો. આ બાબતે જુદી જુદી ચાર જગ્યાએથી ચોરી થઇ હતી જેમાં કેશોદના સોંદરડા ગામ નજીક આવેલ કલ્પ એન્ટરપ્રાઇઝ, અવધ એગ્રી ઇમ્પેક્ષ તથા અનંક સીડઝ અગતરાય સહીતમાં ચોરી થઇ હોવાનું બહાર આવ્યું છે. જે બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ચોરીના બનાવમાં ભવનાથ ઇન્ડસ્ટ્રીઝમાંથી બે લાખ નવ હજાર ત્રણસો ‚પિયા, અવધ એગ્રી ઇમ્પેક્ષમાંથી પંચાણુ હજાર પાંચસો, કલ્પ એનટરપ્રાઇઝમાંથી સાડત્રીસ હજારની રોકડ રકમની ચોરી થઇ હતી. જયારે અગતરાય ગામે આવેલ અનંત સીડઝમાંથી રોકડ રકમની ચોરી ન થઇ હોવાનું બહાર આવ્યું છે.
આ બનાવ બાબતે ભવનાથ ઇન્ડસ્ટ્રીઝ અવધ એન્ટરપ્રાઇઝ તથા કલ્પ એન્ટરપ્રાઇઝ દ્વારા પોલીસ ફરીયાદ નોંધાવી હતી જે બાબતે હાલ ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહીતના પોલીસ સ્ટાફ દ્વારા કારખાનેદારના નિવેદનો લઇ સીસી ટીવી કેમેરાના કુટેજના આધારે કરવામાં આવી રહી છે.તમામ જગ્યાઓએ એક રાતમાં ચોરી થઇ હોવાનું અને ચાર જેટલા લોકો ચોરી કરવા આવ્યા હોવાનું સીસી ટીવી કેમેરાના કુટેજના આધારે પ્રાથમીક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી તસ્કર ગેંગ સક્રિય બની છે કેશોદમાં અનેક ચોરીના બનાવો બન્યા છે. જેના સીસી ટીવી કેમેરાના કુટેજના આધારે પણ તસ્કર ગેંગને પકડવામાં પોલીસ નિષ્ફળતા મળી રહી છે. જે બાબતે શહેરીજનોમાં અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. કેશોદમાં કાયદાની સ્થિતિ કથળી રહી છે કે તસ્કર ગેંગને મોકળુ મેદાન મળી ગયું હોય તેમ એક મહીનામાં અસંખ્ય ચોરીના બનાવો બન્યા છે.
છતાં એકપણ ગુનાનો ભેદ ઉકેલાયો નથી અને આવા ચોરીના બનાવોમાં મોટાભાગના બનાવોમાં પોલીસ દ્વારા મીડીયાને દુર રાખવા પ્રયાસ કરવામાં આવતો હતો તેમ મીડીયાને સમયસર માહીતી આપવામાં આવતી નથી અને તસ્કર ગેંગ વારંવાર ચોરી કરવામાં સફળતા મેળવી પોલીસને પડકાર ફેંકી રહી હોય તસ્કર ગેંગને પકડવામાં પોલીસને સફળતા મળશે કે કેમ તે જોવાનું રહ્યું.