યાત્રિકો માટે વિવિધ વ્યવસ્થાઓ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત: વહેલી સવારે રામસાગર અને મંજીરાના રણકાર સાથે ગવાતી રામગરી અને પ્રભાતિયાની સૂરાવલી મનમોહક

અબતક, દર્શન જોશી, જુનાગઢ

“જય જય ગિરનારી”, “બમ બમ ભોલે”, “હર હર મહાદેવ” ના ગગનભેદી નારા, સતત પાંચ દિવસ સુધી ભારતભરના પધારેલા તપસ્વીઓ દ્વારા શરૂ થયેલી શિવની આરાધના અને અન્ન ક્ષેત્રોમાં ચાલતા ભોજન પ્રસાદની રસલહાણ, અને ભજનની છોડો વચ્ચે માનવ મહેરામણના અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કરતો આ વખતનો જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં યોજાયેલ શિવરાત્રી મેળો હવે અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે. આજે રાત્રીના એક અદ્ભુત, અલૌકિક અને ધર્મસભર ભવ્યાતિ ભવ્ય રવેડી નીકળશે, ત્યારબાદ હજારો સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરશે અને બાદમાં ભગવાન ભૂતનાથની મહાઆરતી થશે અને એ સાથે જ આ વર્ષનો ભવનાથનો શિવરાત્રી મેળા – 2022 મેળો પૂર્ણ થશે.

પરંતુ કાબિલેદાદ કહી શકાય તેવી જિલ્લા કલેકટર ની દેખરેખ અને માર્ગદર્શન સાથે વહીવટી તંત્ર સહિત વિવિધ વિભાગોની સુંદર કામગીરી અને પોલીસ તંત્રની જડબેસલાક બંદોબસ્ત સાથે કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફીક નિયમનની જાળવણી ને કારણે રેકોર્ડ બ્રેક માનવ મહેરામણ ઊમટયું છતાં કોઇપણ અનિચ્છનીય ઘટના ઘટી ન હતી.   આજે જ્યારે શિવરાત્રી છે ત્યારે ભવનાથ ક્ષેત્રમાં બિરાજતા અને જેના સાનિધ્યમાં આ મેળો યોજાય છે તેવા ભવનાથ મંદિર ખાતે આજે વહેલી સવારથી જ મંદિરના મહંત શ્રી હરિગીરી મહારાજ દ્વારા વિવિધ અભિષેક, પૂજન, અર્ચન, શાસ્ત્રકત પાઠ યોજાયા છે અને રાત્રિના બાર વાગ્યે ભગવાન ભવનાથ દાદાની એક મહારથી યોજાશે ત્યારે બાદ જૂનાગઢનો ભવનાથમાં યોજાતો શિવરાત્રિનો મેળો પૂર્ણ થશે.

આજે રાત્રીના નીકળનારી ભવનાથના મેળાના મુખ્ય આકર્ષણ એવી રવેડી માં બેન્ડવાજા પાર્ટી, રથ, શણગારેલ ઘોડાગાડી જોડાશે તથા આ રેલીમાં જોડાયેલા દિગંબર નાગા સાધુઓ દ્વારા અંગ કસરતોના કરતબ યોજાશે. જે રવેડીનો હાર્દ માનવામાં આવે છે અને તેના અચરજ પમાડે તેવા લાઠીદાવ, તલવાર બાજી, ભાલા બાજી અને જે અંગ કસરતો કરવામાં આવે છે તે અલભ્ય અને અલૌકિક હોય છે.

પીથાધિશ્વર આ રવેડીમા દશનામ જુના અખાડાના આધિપતી ભગવાન ગુરુ દત મહારાજ, આહવાન અખાડાના ભગવાન ગણપતિ અને અગ્નિ અખાડાના ગાયત્રી માતાજી પાલખી ભાવિકોના દર્શનાર્થે નીકળે છે અને આ ત્રણેય અખાડાના સાધુઓ, ભાવિકો પોતાના અખાડાની ધર્મ ધ્વજા સાથે મોટી સંખ્યામાં રવેડીમા જોડાય છે. એ સાથે આ રેલીમાં વિવિધ અખાડાના મહામંડલેશ્વર, તથા દેશ-વિદેશમાંથી પધારેલા સંતો મહંતો હજારોની સંખ્યામાં જોડાશે, ત્યારે જય જય ગિરનારી, બમ બમ ભોલેનાથ ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે.  રાત્રીના લગભગ નવેક વાગ્યાની આસપાસ શરૂ થનારી આ રવેડી જૂના અખાડાથી શરૂ થઈને મંગલનાથ આશ્રમ, દત્ત ચોક, ઇન્દ્રેભારતી દરવાજા થઇને ભારતી બાપુના આશ્રમ પાસેથી આ રવેડી ભવનાથ મંદિરે પરત આવશે. અને આ રેલીમાં જોડાયેલા હજારો સાધુ-સંતો, ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડમાં શાહીસ્નાન કરશે. કહેવાય છે કે આ શાહી સ્નાન દરમિયાન ભગવાન ભોળાનાથ ખુદ કોઈપણ સ્વરૂપે પધારે છે અને મૃગી કુંડમાં શાહી સ્નાન કરી ફરી કૈલાશમાં જાય છે. અને લાખોની સંખ્યામાં મેળામાં આવેલા ભાવિકો સાધુ-સંતો પણ મેળો પૂર્ણ કરી, પોતાના માદરે વતન, તેમના અખાડા અને આશ્રમ તથા મંદિરો ખાતે જવા રવાના થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.