• રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ઓલિમ્પિક અને પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન
  • ગુજરાતની લોક સંસ્કૃતિને ઉજાગર કરે છે તરણેતરનો મેળો, શ્રેષ્ઠ ઓલાદના પશુઓનો મેળો અહીં આકર્ષણનું કેન્દ્ર છે
  • તરણેતરના મેળામાં પહેલી વાર ગ્રામીણ પરંપરાગત સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાશે

02 1 3

Tarnetar fair 2024: મેળાઓ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, જે આપણી પરંપરાઓ, ખાણીપીણી, રહેણીકરણી અને વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તરણેતર ગામમાં યોજાતો તરણેતરનો મેળો ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને પરંપરાઓનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યારે આજ થી જરાતના સૌથી મોટા ‘તરણેતરના મેળા’નો પ્રારંભ થઈ રહ્યો છે. તરણેતરના મેળામાં રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ઓલિમ્પિક અને પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ પહેલીવાર સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાશે.

તરણેતરનો મેળો એટલે આનંદ, યુવાની અને કળાનો અનેરો સંગમ. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય છે. ત્યારબાદ ચોથના દિવસે રંગત જામે, યૌવન ખીલે અને રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલે. ટીટોડો અને હુડારાસ એ તરણેતરના મેળાનું આગવું અંગ છે.

ત્યારબાદ ઋષિપાંચમે વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. આ દિવસે મંદિરની ત્રણ દિશાઓમાં આવેલા કુંડમાં નાહવાનું અનેરું મહાત્મ્ય છે. સાંજે ગંગા વિદાય આરતી થાય છે.

03 4

જાણો તરણેતરના મેળાનો ઇતિહાસ

પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર “દ્વિપકલ્પ” તરીકે ઓળખાતો હતો. એ વખતે ધીરે-ધીરે જે જમીન સમુદ્રમાંથી સૌથી પહેલા બહાર નીકળી અને હજારો વર્ષ કે લાખો વર્ષ સુધી ટકી રહી. એ જે ટોચનો વિસ્તાર છે તે, સૌરાષ્ટ્રનો “પાંચાળ” વિસ્તાર છે. પાંચાળનો ઘેરાવો બહુ મોટો નથી, પણ એનું સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક સંદર્ભમાં બહુ મોટું મહત્વ છે. સ્કંદપુરાણમાં એવો ઉલ્લેખ છે કે, ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે આ ભૂમિ પર તપસ્યા કરી હતી. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રી વિષ્ણુએ 1001 કમળ ચડાવવાના હતા.

મૂર્તિ ઉપર 1000 કમળ થઈ ગયા અને છેલ્લું 1 કમળ ખૂટ્યું ત્યારે તેમણે પોતાનું જમણું નેત્ર શિવજી ઉપર ચડાવ્યું ત્યારે ભગવાન શંકર લીંગમાંથી પ્રગટ થયા અને નેત્ર લઈને પોતાના કપાળે લગાવી દીધું. ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાયા. આથી આ પવિત્ર સ્થાનનું નામ ત્રિનેત્રેશ્વર પડ્યું. તેના પરથી અપભ્રંશ થતાં ગામનું નામ “તરણેતર” પડ્યું. વાયકા મુજબ, બીજી વખત કણ્વ મુનિના ભક્તિના પ્રભાવથી શિવલીંગમાંથી ભોળાનાથ પ્રકટ થયા. જેમને પાંચ મુખ, દશ ભુજા અને ત્રણ નેત્ર હતા. તે શિવની મૂર્તિ આજે પણ ત્રિનેત્રેશ્વર મંદિરમાં સ્થાપિત છે.

પાંચાળ એટલે પૌરાણિક કથાઓનું ઘર

પૌરાણિક કથા અનુસાર, આ મેળો પ્રાચીનકાળથી અહીં ભરાય છે. તેની ઉત્પત્તિ દ્રૌપદીના સ્વયંવરની કથા સાથે જોડાયેલી છે. દ્રૌપદીનો સ્વયંવર આ જ સ્થાને યોજાયો હતો. આ કુંડના પાણીમાં પ્રતિબિંબ જોઈ મહાન તીરંદાજ અર્જુને માછલીની આંખ વીંધવાનું મુશ્કેલ કાર્ય માત્ર પાણીમાં તેના પ્રતિબિંબને જોઈને કર્યું હતું. આ પરાક્રમ દ્વારા દ્રૌપદીને પામીને વિવાહ કર્યા હતા. દ્રૌપદી એટલે કે પાંચાલીના નામે આ ભૂમિ “પાંચાલભૂમિ” તરીકે ઓળખાયાની લોકવાયકા પણ છે.

એક દંતકથા મુજબ, પાંચ ઋષિઓએ અહીં નિવાસ કર્યો અને પોતાના આશ્રમો બનાવ્યા. જે ભૂમિને પવિત્ર માનીને પોતાનું ઘર બનાવ્યું તેવા વિસ્તારમાં અસંખ્ય દેવ-દેવતાઓના વાસ છે. ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતે બનાવેલા કુંડમાં પાંચ ઋષિઓએ ભેગા થઈ ગંગાજીને અવતરણ માટે આહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કરાવ્યું હતું.

તેની પાછળનો ઉદ્દેશ કદાચ તે હોઈ શકે કે આ પાંચાળ વિસ્તારના લોકો કદાચ ગંગાજી સુધી હરિદ્વાર કે ઋષિકેશ ન જઈ શકે તો અહીં જ ગંગાજીના અવતરણને નિમિત્ત બનાવ્યું હતું. લોકો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે મહર્ષિપંચમીના દિવસે તરણેતર આવતા થયા, તે રીતે ઐતિહાસિક રીતે મેળાની કદાચ શરૂઆત થઈ હોય એવું અનુમાન છે.

03 1 2

રંગબેરંગી, ભાતીગળ સંસ્કૃતિનો નજારો

સૌરાષ્ટ્રની વિવિધ જ્ઞાતિઓ જેમ કે, ભરવાડ, આહિર, રબારી અને કાઠી ઉપરાંત સ્થાનિક લોકો તેમના પરંપરાગત પોશાકમાં તરણેતરના મેળામાં ભાગ લે છે. રંગબેરંગી ભરત ભરેલા ભાતીગળ પોશાક પહેરેલા યુવાનો ભાતભાતની ભરત ભરેલી છત્રીઓ લઈને મેળામાં ફરતા જોવા મળે છે. તો છોકરીઓ રંગબેરંગી ઘેરવાળી ચણિયાચોળીમાં જોવા મળે છે. ગરબા અને દાંડિયા રમતી યુવતીઓને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. આ મેળામાં યુવકોને આકર્ષક છત્રી નૃત્ય કરતા જોવા એ પણ અનેરો લ્હાવો છે.

મહાદેવની પૂજાથી થયો આરંભ

ભાદરવા સુદ ત્રીજથી શરૂ થતાં આ મેળાનો આરંભ મહાદેવની પૂજા સાથે થાય છે. ત્યારબાદ ચોથના દિવસથી મેળાની અસલ રંગત જામે છે. રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલાય છે. ટીટોડી અને હુડા રાસ આ મેળાની આગવી ઓળખ છે. છેલ્લે પાંચમના દિવસે સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. મેળાના છેલ્લા દિવસે મંદિરની ત્રણ દિશામાં આવેલાં કુંડામાં ન્હાવાનું ખાસ મહત્વ છે.

શ્રેષ્ઠ ઓલાદોના પશુઓનો મેળો પણ આકર્ષણનું કેન્દ્ર

ગુજરાત સરકારના પશુપાલન વિભાગના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા તરણેતરમાં પશુ પ્રદર્શન અને હરીફાઈનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગીર અને કાંકરેજ વર્ગની ગાય, જાફરાબાદી અને બન્ની જાતિની ભેંસ વગેરેનું પ્રદર્શન કરવામાં આવે છે અને સારી ઓલાદના પશુ માટે સ્પર્ધા યોજવામાં આવે છે. વિજેતા પશુને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પશુમેળાના આયોજનનો ઉદ્દેશ સારી ઓલાદના પશુઓના પાલનને પ્રોત્સાહન આપવાનો છે.

04 1

ગ્રામીણ ઓલિમ્પિક્સ અને પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ખેલ પ્રતિભાઓને ઓળખીને તેને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ કાર્યરત છે અને આ માટે વિવિધ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે. આમાં તરણેતરના મેળામાં યોજાતા ગ્રામીણ ઓલિમ્પિકનું પણ મહત્વ છે. તેના અંતર્ગત મેળામાં વિવિધ વયજૂથના શાળાના બાળકો માટે 100 મીટર, 200 મીટર, 800 મીટર દોડ, લાંબી કૂદ, દોરડા કૂદ અને લંગડી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. દોડ ઉપરાંત, યુવાનો માટે ગોળા ફેંક, લાંબી કૂદ, 4×100 મીટર રિલે દોડ, નાળિયેર ફેંક, કુસ્તી, વોલીબોલ, કબડ્ડી, રસ્સાખેંચ, સ્ટ્રોંગેસ્ટ મૅન, સાતોડી (નારગોલ) અને ખાંડના લાડવા ખાવાની હરીફાઈનું આયોજન કરવામાં આવશે. આ તમામ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

તરણેતરના મેળામાં પહેલી વાર ગ્રામીણ પરંપરાગત સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, લોક કલા અને કલાકારોને પ્રોત્સાહન આપવા માટે 24 વિવિધ પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. જેમાં વેશભૂષા, છત્રીની સજાવટ, પરંપરાગત ભરતકામ, લોકગીત, લોકવાર્તા, ભજન, દુહા-છંદ, ડાક-ડમરુ ગાયન, વાંસળી, ભવાઈ, શહેરી અને ગ્રામીણ રાસ, હુડો રાસ, લોકનૃત્ય, શહેનાઈ અને સોલો ડાન્સ જેવી શ્રેણીઓનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.