ગોંડલ રોડ પર જીમ્મી ટાવરમાં ૯ સહિત કુલ ૧૬ મિલકતો સીલ: નવા વર્ષના આરંભે જ રીઢા બાકીદારો પર તુટી પડતી ટેકસ બ્રાંચ: સ્ટાફના અભાવે લક્ષ્યાંક હાંસલ ન થયો
દિવાળી બાદ નવા વર્ષના આરંભે જ કોર્પોરેશનની ટેકસ બ્રાંચે રીઢા બાકીદારો સામે લાલ આંખ કરી છે. આજે શહેરના ત્રણેય ઝોનમાં ૧૬ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી જોકે આજે બાકીદારોની ૧૦૦ મિલકતો સીલ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. સ્ટાફનો અભાવ અને બજારોમાં હજી ઘણી ઓફિસો અને દુકાનો ખુલ્લી ન હોવાના કારણે આજે ૧૦૦ મિલકતો સીલ કરવાના લક્ષ્યાંક સામે માત્ર ૧૬ મિલકતો સીલ કરવામાં આવી હતી.
કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજે શહેરના ગોંડલ રોડ પર જીમ્મી ટાવરમાં એકી સાથે ૯ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. જયારે પંચનાથ પ્લોટ અને સમ્રાટ ઈન્ડટ્રીઝ એરિયામાં રીકવરીની કામગીરી હાથ ધરવામાં આવતા બાકીદારોએ ધડાધડ વેરો ભરપાઈ કરી દીધો હતો. વેસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા શહેરના વોર્ડ નં.૮માં લીંબુડીવાળી મેઈન રોડ પર આવેલી યોગીદર્શન સોસાયટીમાં રૂ.૧.૧૫ લાખનો બાકી વેરો વસુલ કરવા માટે એક મિલકત સીલ કરી દેવામાં આવી હતી.આ ઉપરાંત ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા મોરબી રોડ પર રાધેકૃષ્ણ કોમ્પલેક્ષમાં રૂ.૧.૧૩ લાખનો બાકી વેરો વસુલવા દુકાન નં.૮ અને રૂ.૧.૧૮ લાખનો બાકી વેરો વસુલવા દુકાન નં.૯ સીલ કરી દેવામાં આવી હતી. જયારે પેડક રોડ પર રૂ.૧.૩૩ લાખનો વેરો વસુલવા અશ્વીનભાઈ લોઢીયાની મિલકત સીલ કરાઈ હતી.
પરશુરામ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં રૂ.૧.૬૮ લાખનો વેરો વસુલવા રમેશભાઈ બોરીચાની બાલાજી ફાઉન્ડ્રી નામની મિલકત સીલ કરાઈ હતી. જયારે માંડાડુંગર વિસ્તારમાં રૂ.૮૮ હજારનો વેરો વસુલ કરવા માટે ભગવાનજીભાઈ પટેલની શિવમ જોબ વર્કની નામની મિલકત સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત રણછોડનગર વિસ્તારમાં રૂ.૯૧ હજારનો બાકી વેરો વસુલવા કમલેશભાઈ પાંભરની મિલકત સીલ કરી દેવામાં આવી હતી.
કોર્પોરેશનમાં હજી ફેસ્ટીવલ મુડ: અધિકારીઓ-કર્મચારીઓ રજા પર
અરજદારોનો ધસારો પણ ઓછો: મોટાભાગની ઓફિસોમાં ઉડે-ઉડે જેવો માહોલ
દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ ગઈકાલથી બજારો ફરી ધમધમવા લાગી છે. જોકે કોર્પોરેશન સહિતની મોટાભાગની સરકારી કચેરીઓમાં હજી ઉડે-ઉડે જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અધિકારીઓ અને કર્મચારીઓ હજી ફેસ્ટીવલ મુડમાંથી સંપૂર્ણપણે બહાર નિકળી શકયા નથી જોકે સામાપક્ષે અરજદારોનો ઘસારો પણ ખુબ જ ઓછો હોવાના કારણે સરકારી કચેરીઓ સુમસામ ભાસી રહી છે.
સામાન્ય રીતે દિવાળીના તહેવારમાં તમામ સરકારી કચેરીઓમાં ત્રણ દિવસની રજા રહેતી હોય છે પરંતુ આ વખતે શનિ-રવિનો લાભ મળતા મીની વેકેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. દિવાળીના તહેવાર પૂર્વે અગાઉ બે દિવસ રજા રાખી અમુક કર્મચારી અને અધિકારીઓએ સળંગ આઠ દિવસનું મીની વેકેશન ભોગવ્યું હતું.
ગઈકાલે લાભપાંચમના શુભ દિવસથી તમામ બજારો અને કચેરીઓ ખુલ્લી જવા પામી છે છતાં હજી સરકારી અફસરો ફેસ્ટીવલ મુડમાંથી સંપુર્ણપણે બહાર નિકળી શકયા નથી. કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ રજા પર હોવાના કારણે કોર્પોરેશન કચેરીમાં ઉડે-ઉડે જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
સરકારી બાબુઓ તો ઠીક સામાન્ય જનતા પણ હજી તહેવારોના મુડમાં હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય દિવસોની માફક અરજદારોનો ઘસારો પણ ખુબ જ ઓછો જોવા મળી રહ્યો છે. એકંદરે કચેરી સુમસામ ભાસી રહી છે. પદાધિકારીઓ અને નગરસેવકોની પણ પુરતી હાજરી દેખાતી નથી.