ગ્રામ્ય રોજગારીને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં ૧૦ હજાર કરોડ રૂપિયા ફાળવાયા
દેશના અર્થતંત્રને બેઠુ કરવા અને વિકસિત કરવા માટે સરકાર દ્વારા અને નાણા મંત્રાલય દ્વારા ત્રીજી વખત રાહત પેકેજ આપવા માટેની જાહેરાત કરી છે જેમાં વેપાર, ઉધોગ, ઉત્પાદન, રિયલ એસ્ટેટ સહિત સર્વાંગી બજારને ધમધમતું કરવા માટેનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આ તમામ મુદાને ધ્યાને લઈ નાણા મંત્રાલય દ્વારા ૨.૬૫ લાખ કરોડ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. સાથોસાથ દેશના જીડીપીમાં ૧૫ ટકાનું યોગદાન મળી રહે તે માટેની યોજના પણ જાહેર કરવામાં આવી છે. સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેનાથી દેશના અર્થતંત્રને બુસ્ટર ડોઝ મળતો રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારત અભિયાનને વેગવંતુ બનાવી સ્થાનિક ઉત્પાદન ક્ષેત્રે વિકાસ કરવા માટેનો લક્ષ્ય સાઘ્યો છે. આ લક્ષ્યને સિઘ્ધ કરવા માટે સરકાર દ્વારા રોજગારીની તકો, નિકાસ, રોકાણ અને દિન-પ્રતિદિન માંગમાં વધારો થાય તે દિશામાં પણ પગલા લઈ રહ્યા છે. અત્યાર સુધી ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા તથા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સંયુકત રીતે કુલ ૨૯.૮૭ લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જે જીડીપીમાં ૧૫ ટકાનો વધારો કરવા માટે પણ તત્પર હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
ત્રીજા રાહત પેકેજમાં સરકાર દ્વારા રોજગારીની નવી તકો ઉભી કરી ઈકોનોમીને સુદ્રઢ બનાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે જેમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજના થકી લાખો, કરોડો કામદારોને કામ મળતું રહેશે. સાથો સાથ આ સ્કિમનો લાભ લેનાર લોકોને પણ એમ્પ્લોય પ્રોવિડન્ડ ફંડનો લાભ મળતો રહેશે. આંકડાકિય માહિતી મુજબ આ સ્કિમ દ્વારા ૬૫ ટકા રોજગારી ઉભી થવાની આશા પણ સેવાઈ રહી છે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વધુ ૧૦ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી હોવાનું પણ જણાવ્યું છે જેનાથી ગ્રામ્ય રોજગારીમાં અમુલ તક ઉભી થશે. બીજી તરફ હાઉસીંગ ક્ષેત્રે સહાયની સાથો સાથ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં પણ વધારો કરવા માટે સરકારે લક્ષ્ય સાઘ્યું છે.
સરકારનું માનવું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કુલ ૭૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે જેથી આ ક્ષેત્રમાં પણ રોજગારી ઉભી થઈ શકે. યુનિયન કેબિનેટ દ્વારા પીએલઆઈ એટલે કે પ્રોડકશન લીંકડ ઈન્સેન્ટીવ સ્કિમને અમલી બનાવવા માટે ૧૦ ક્ષેત્રમાં તેનો અમલ કરવા જણાવાયું છે જેમાં વાઈડ ગુડઝ, ઓટો, ઓટો કમ્પોનેટ, બેટરી ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન અપાશે અને આગામી પાંચ વર્ષમાં ૧.૪૭ લાખ કરોડ રૂપિયાની પણ ફાળવણી કરવામાં આવશે.
રિયલ એસ્ટેટ ક્ષેત્ર દેશના અર્થતંત્રને વિકસિત કરવા માટે અત્યંત ઉપયોગી સાબિત થયું છે ત્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ ૧૮ હજાર કરોડ રૂપિયાની ફાળવણી પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર માટે મંજુર કરવામાં આવ્યા છે.
નાણામંત્રી દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ફાર્માસ્યુટીકલ, ખાદ્ય, ટેકસટાઈલ, ટેલીકોમ અને નેટવર્કિંગ ક્ષેત્ર માટે ઉપયોગી સાબિત થાય તે હેતુસર તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. રાહત પેકેજ મારફતે ઉત્પાદનની સાથોસાથ નેશનલ ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડ માટે ૬ હજાર કરોડ રૂપિયાની ફાળવણી પણ કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદીના સ્વપ્ન સમાન આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ દેશની નિકાસને વધુને વધુ પ્રોત્સાહન મળી રહે તે માટે સરકારે ત્રણ હજાર કરોડ રૂપિયાની ફાળવણી એકસપોર્ટ એટલે કે નિકાસને પ્રોત્સાહન મળી રહે તે માટે આપેલી છે. સાથોસાથ ગ્રામ્ય વિસ્તારો, ખેડુતો અને રિસર્ચ અને ડેવલોપમેન્ટ માટે ૯૦૦ કરોડ રૂપિયાની ફાળવણી બાયોટેકનોલોજી ક્ષેત્રે કરવામાં આવી છે કે જે કોવિડની વેકસીન બનાવવા માટે કારગત અને ઉપયોગી નિવડશે. દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ વિશેષ પેકેજ થકી દેશના અર્થતંત્રને ખુબ સારો વેગ મળી રહેશે.