ગુજરાતમાંં સોલાર રૂફ ટોપ યોજનાને જબરો પ્રતિસાદ વીજક્ષેત્રે ૮ હજાર કરોડની સબસિડી અને ખેતીવાડી કનેકશન પાછળ રૂા.૧૮૦૦ કરોડનો ખર્ચ થશે: સૌરભ પટેલ
જેતપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ જિલ્લામાં ૨૬મી જાન્યુઆરી ૨૦૨૦ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કાર્યક્રમ પ્રસંગે ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે ઊર્જા ઉત્પાદન ,વ્યવસ્થાપન અને વિતરણની કામગીરીમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે.
ઉર્જા મંત્રીએ જેતપુર પંથકના ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવા અનુરોધ કરતા કહ્યુ કે ગુજરાતમાં વીજળીની કોઈ ચિંતા નથી. હવે પૂરતી વીજળી અને ખેતીવાડીના પૂરતા વીજ કનેક્શન આપવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણી સૌની જવાબદારી પાણી બચાવવાની પણ છે. સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેતીવાડી ક્ષેત્રે ખેડૂતોને ૧. ૪૦ લાખ વીજ કનેક્શન આપવાની કામગીરી પુરજોશમાં આગળ વધી રહી છે અને આ માટે રાજ્ય સરકાર ૧૮૦૦ કરોડનો ખર્ચ કરવા જઈ રહી છે. મંત્રીએે એમ પણ કહ્યું હતું કે વીજ સબસીડી પાછળ રૂપિયા ૮ હજાર કરોડનો ખર્ચ સરકાર ઉઠાવે છે.
તેઓએ શહેરીજનોને સૌર ઉર્જા અપનાવવા અને સરકારની સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ત્રણ મહિનામાં ૪૫ હજાર લોકોએ અરજી કરી છે અને હજુ વધુ લોકો આ યોજનાનો લાભ લઇ ત્રણ કિલો વોટ સુધીની સ્કીમમાં ૪૦ ટકા સબસીડીનો પણ લાભ લે તે માટે જનજાગૃતિનું પણ આહવાન કર્યું હતું. વીજળીના સબ સ્ટેશન માટે પણ આગામી ત્રણ વર્ષ સુધીનું આયોજન થઈ ગયું છે અગાઉ ૪૨ વર્ષમાં માત્ર ૬૬૭ સબ સ્ટેશન બન્યા હતા અને ત્યાર પછીના સોળ વર્ષમા ૧૨૬૭ બન્યા છે તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું.
અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ સૌરભભાઇ પટેલને જેતપુરમાં આવકાર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સર્વાંગી વિકાસના કાર્યો તેજ ગતિથી થઈ રહ્યા છે. તેઓએ જેતપુર જામકંડોરણા વિસ્તારમાં તાજેતરમાં રોડ અને પુલના નવા કામો માટે રૂપિયા ૪૫ કરોડની મંજૂરી આપવામાં આવી છે તેની માહિતી આપી હતી. પાણીના કામો માટે સમગ્ર સૌરાષ્ટ્રના અને ખાસ કરીને રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં થયેલા કામો અંગેની માહિતી આપી હતી.
મંત્રીઓના હસ્તે જેતપુર વિસ્તારમાં રૂા.૨૦૪૫.૩૧ લાખ ના પરિપૂર્ણ થયેલ વિકાસ કામો જેમાં જેતપુર પંથકમાં પાણી પુરવઠા ડી લિંક નેટવર્ક રૂા.૧૩૫૦.૧૧ લાખ અને ધારેશ્વર વિજ સબ સ્ટેશન ૬૪૯.૧૭ લાખ ના ખર્ચેનું લોકાર્પણ અને રૂા.૧૦૦૧.૧૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર પોલીસ આવાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.