રાજકોટ સાથે મારી અનેક યાદો જોડાયેલી: નટુકાકા
કોસ્મોપ્લેક્ષ સિનેમા ખાતે સમયચક્ર મુવીનો પ્રિમિયર શો યોજાયો હતો. આ પ્રસંગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ નટુકાકા (ઘનશ્યામ નાયક) અને બાઘો (તન્મય વેકરીયા) ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સમયચક્ર મુવી અને રાજકોટ સાથેની જુની યાદોને ‘અબતક’ સાથેની ખાસ વાતચીત દરમ્યાન વાગોળી હતી.
‘અબતક’ સાથેની વાતચીતમાં નટુકાકાએ જણાવ્યું હતું કે, પિકચરના ઓપિનિયન વિશે કશુ જ ન કહી શકાય કેમ કે આ બંધ નારિયેળ છે. બંધ નારિયેળ ફુટ ત્યારે જ ખબર પડે. પબ્લીક ઓપિનિયન આપે તે આપણે સ્વીકારવાનો રહે છે. પ્રોડયુસરે, લેખકે અને બધાએ ખૂબ જ મહેનત કરી છે. ગુજરાતી ફિલ્મોની વેલ્યુ દિવસેને દિવસે વધતી જાય છે. સારા પ્રકારની ફિલ્મો બને એવી મારી શુભેચ્છા છે. રાજકોટ વર્ષોથી રંગીલુ છે. રાજકોટનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. કેમ કે મારા પિતા જયારે નાટકોમાં હેમુ ગઢવી સાથે કામ કરતા ત્યારથી રાજકોટ જોડે નાતો છે. રાજકોટના હાસ્ય કલાકાર રમેશ મહેતા અને હું એક જ ફિલ્મમાં એક સાથે આવ્યા એટલે રાજકોટ મારા માટે યાદગાર બન્યું છે. તારક મહેતાનું શેડયુલ વ્યસ્ત હોવા છતા ફિલ્મના ડીરેકટર અને પ્રોડયુસરના ભારપૂર્વક આગ્રહને લીધે અમે બંનેએ આ મુવીમાં કામ કર્યું છે.
બાઘાએ જણાવ્યું હતું કે નટુકાકાએ કહ્યું તેમ આ મુવી નારિયેળ જેવું છે. તે ફુટશે એટલે એમાંથી મીઠુ પાણી નીકળશે. મલાઈ પણ નીકળશે અને લોકોની એન્ટરટેઈનમેન્ટની ભુખ પણ મટશે. ફિલ્મના પ્રોડયુસરે ફિલ્મ ખુબ જ સુંદર બનાવી છે. લેખકે સ્ટોરી પણ સુંદર લખી છે. રાજકોટની વાત કરુ તો રાજકોટ સાથે મારા પર્સનલ રીલેશન છે. અમે નાના હતા ત્યારે રાજકોટ વેકેશન માણવા આવતા હતા. આજે પણ જયારે રાજકોટ આવીએ ત્યારે એ યાદો તાજી થઈ જાય છે. સમયચક્ર મુવીમાં અમે ખૂબ જ આનંદથી કામ કર્યું છે.
સમયચક્ર મુવી એ બેટી બચાવો બેટી પઢાવો સુત્ર પર આધારીત છે. જેને ડિરેકટર આસિત કુમારે કરી છે. બાઘા અને નટુકાકાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના વ્યસ્ત શેડયુલમાંથી સમય કાઢીને આ ફિલ્મમાં કામ કર્યું છે. સમયચક્રના પ્રોડયુસર તેમજ ડિરેકટરનો ખૂબ જ આગ્રહ હોવાથી તેઓએ આ ફિલ્મમાં કામ કર્યું છે. અમરકુમાર જાડેજાના પ્રોડકશનની સમયચક્ર મુવીમાં સ્ટોરી, સ્ક્રીન પ્લે અને ડાયલોગ કેશવ રાઠોડે લખ્યા છે. લીરીકસ ડો.નિરજ મહેતાએ લખ્યા છે. તેમજ મ્યુઝીક શૈલેશ ઉત્પલે આપ્યું છે. કોરિયોગ્રાફી મહેશ બરાજ અને કિરનગીરીએ કરી છે. ફિલ્મમાં આકાશ શાહ, અપેક્ષા પટેલ, ચંદન રાઠોડ, ધર્મેશ વ્યાસ, ચંદ્રકાંત પંડયા, પ્રતિમા ટી, મમતા સોની, જીજ્ઞેશ મોદી, જીતુ પંડયા, ઘનશ્યામ નાયક અને તન્મય વેકરીયા એકટર તરીકે છે.