બાકી વેરો વસૂલવા શ્રમજીવી સોસાયટીમાં નળ જોડાણ કટ્ટ: 18 મિલકતો સીલ, 40ને જપ્તીની નોટિસ

 

અબતક, રાજકોટ

કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા આજે શહેરના વોર્ડ નં.7માં મણી કોમ્પ્લેક્સમાં આવેલી તારા જ્વેલર્સ વાળી ત્રણ કોમર્શિયલ મિલકત પાસેથી બાકી વેરો વસૂલવા માટે મિલકતની જાહેર હરાજી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન વેરા પેટે રૂા.22 લાખની રકમ ભરપાઇ કરી દેતા હરાજી આગામી સોમવાર સુધી મોકૂફ રાખવામાં આવી છે. આજે બપોર સુધીમાં 18 મિલકતો સીલ કરવામાં આવી હતી અને 40 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવતા રૂા.51.33 લાખની વસૂલાત થવા પામી છે.

રિક્વરી સેલ દ્વારા હવે બાકીદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વર્ષોથી બાકી વેરો ન ભરનાર બાકીદારોની મિલકતની પણ જાહેર હરાજી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે મણી કોમ્પ્લેક્સમાં તારા જ્વેલર્સ વાળી ત્રણ કોમર્શિયલ મિલકતોની જાહેર હરાજી શરૂ કરવામાં આવી હતી. બાકી વેરા પેટે નીકળતી 22 લાખની બાકી રકમ ભરપાઇ કરી દેતાં હવે સોમવાર સુધી હરાજી મોકૂફ રાખવામાં આવી છે.દરમ્યાન આજે વોર્ડ નં.14માં શ્રમજીવી સોસાયટીમાં બાકી માંગણું વસૂલવા માટે એક નળ જોડાણ કપાત કરી નાંખવામાં આવ્યું હતું.

આજે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં નવ મિલકતો સીલ કરવામાં આવી હતી અને 32 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવતા રૂા.24.29 લાખની વસૂલાત થવા પામીછે.વેસ્ટ ઝોનમાં એક મિલકત સીલ કરી દેવામાં આવી હતી અને ત્રણ મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવતા રૂા.12.35 લાખની વસૂલાત થવા પામી છે.જ્યારે ઇસ્ટ ઝોનમાં 8 મિલકતો સીલ કરવામાં આવી છે અને પાંચ મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવતા રૂા.14.59 લાખની વસૂલાત થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.