આપણા ગુજરાતનું નળ સરોવર ફરીવાર આ વર્ષે વિશ્વ આખાના પક્ષીઓને આવકારવા સજ્જ થઇ ગયું છે. જ્યાં ફ્લેમિંગો સહિતના પક્ષીઓ આ સીઝનમાં આવતા રમણીય દ્રશ્યો સર્જાતા હોય છે. યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઇ ચૂક્યું છે અને હાલ તેઓ આસપાસના વિસ્તારોમાં આશ્રય લઇ રહ્યા છે જયારે હવે નળ સરોવરનું જળ સ્તર યાયાવર પક્ષીઓ માટે સાનુકૂળ થઇ જતાં હવે નળ સરોવર ખાતે યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થવા જઈ રહ્યું છે.
નળ સરોવરનું જળ સ્તર હવે વિદેશી મહેમાનો માટે સાનુકૂળ
અમદાવાદ જિલ્લાના વિરમગામ નજીક આવેલા પ્રખ્યાત પક્ષીઅભ્યારણ્ય નળસરોવરએ વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે. શિયાળાની શરૂઆત થતા જ નળસરોવર ખાતે દર વર્ષે લાખો વિદેશી પક્ષીઑ ડિસેમ્બરથી માર્ચ મહીનાઓ દરમિયાન મહેમાન બને છે. નળસરોવરએ 120.08 કીમી.ના છીછરા પાણીમાં પથરાયેલું છે. જે પક્ષીઅભ્યારણ્ય માટે જાણીતું છે. 250થી વધુ પ્રજાતિઓના દેશી-વિદેશી પક્ષીઓ અહીં આવે છે. ઉપરાંત 72 જાતિની માછલીઓ, 48 જાતની લીલ , 72 જાતિની સુષ્રુપ્ત વનસ્પતિઓ , 76 જાતની જળચર પ્રાણીઓ અહીં રહેલા છે. આ બધાને નિહાળવા ડીસેમ્બર મહીનાથી જ ખુબ મોટી સંખ્યામાં દુર દુરથી મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં નજારો જોવા આવે છે.
ચોમાસા પછી તળાવનું જળ સ્તર લગભગ સાત ફૂટ સુધી પહોંચ્યા બાદ હાલ તળાવમાં પાણી ચાર ફૂટ જેટલું ઊંડું છે, જે સ્થાનિક અને સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે ખૂબ જ અનુકૂળ સ્તર છે. જાન્યુઆરીના મધ્ય સુધીમાં સ્તર વધુ ઘટશે, જે અન્ય પક્ષીઓમાં ફ્લેમિંગો અને પેઇન્ટેડ સ્ટોર્કને આકર્ષશે.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે નળસરોવરના કર્મચારીઓ દ્વારા સતત દેખરેખ રાખવાથી અને સરોવરમાં નર્મદાના પાણીના વધારાના પ્રવાહને અંકુશમાં લેવાથી આ જળસ્તરને જાળવી રાખવું શક્ય બન્યું છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કર્મચારીઓ નર્મદાના પાણીને છોડવા પર નિયંત્રણ રાખવા અને તળાવમાં વધારાનું પાણી ન જાય તે સુનિશ્ચિત કરવા માટે નાની કાટેચી, પરલી, વડલા, રાણાગઢ, મુલબાવલા સહિતના તળાવની બહારના ગામોની નિયમિત મુલાકાત લઇ રહ્યા છે.
જો સ્ટાફને તળાવમાં નવા નીરની આવક થતી જણાય તો તો તેઓ તરત જ સરદાર સરોવર નર્મદા નિગમ સાથે સંકલન કરી પુરવઠો અટકાવી દે છે.
નળ સરોવર ખાતે સુંદર રંગ અને દેખાવના કારણે ફ્લેમિંગો નળ સરોવર ખાતે આકર્ષણનું કેન્દ્ર
આ સરોવર ખાસ ઊંડાઇ ધરાવતું નથી પરંતુ તે 120 ચો. કિ.મી. જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ સરોવરમાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે. નળ સરોવરની દેખરેખ અને તેના વ્યવસ્થાપનની જવાબદારી અત્યારે ગુજરાત રાજયના વન વિભાગની છે. અમદાવદ શહેરથી નળ સરોવર 62 કિ.મી. દૂર આવેલું છે. નળ સરોવરનો વિસ્તાર ગુજરાત અને સૌરાષ્ટ્રના નીચાણવાળો વિસ્તાર છે. આથી તે દરિયા સાથે જોડાયેલો વિસ્તાર હોવો જોઇએ એવું અનુમાન છે. નળ સરોવર પ્રવાસી યાયાવર પક્ષીઓનું પ્રિય પર્યટન સ્થળ છે. શિયાળાની ઋતુમાં અહીં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ફલેમિંગો તેના સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે
250થી વધુ પ્રજાતિના પક્ષીઓ દર વર્ષે બને છે નળ સરોવરના મહેમાન
નળસરોવર પ્રખ્યાત પક્ષી અભ્યારણ્ય ખાતે ગલ્ફ તરફથી હજારો ફ્લેમિંગો ઉતરી આવતા હોય છે. આવા પક્ષીઓ માટે આ સ્થળ માત્ર તરસ નથી છીપાવતા. અહીંયા તેઓ મસ્તી કરતા કરતાને અનોખી રીતે ઉડવાની અને જીવનનો આનંદ પક્ષીઓ માણે છે. આ પક્ષીઓ (ફ્લેમિંગો) ને કુદરતી સુઝ પણ હોય છે. એટલે કે પાણી જોઇને ગમે ત્યાં ઉતરી પડતા નથી. તેઓ પાણીનું ચોક્કસ લેવલ અને સુરક્ષાની ખાતરી કરીને જ ઉતરાણ કરે છે. આ પક્ષી અભ્યારણ્યમાં દેશી-વિદેશી પક્ષીઓમાં યાયાવર ગુલાબીપેણ, લડાખી ઘોમડો, ગજપાઉં, ભગતડું , પાનલવા , હંસ, બતક ,સંતાકુકડીપેણ , કાબીપુચ્છ , સીંગપર , કાળી બગલી , ઘોળી બગલી, ખલીલી ,સર્પગ્રામ , ગયલો ,સારસ, સીસોટી બતક , કુંજ , નીલ ,જળમુરધો ,ભગવી સુરખાબ , મોટી હંજ , શ્ર્વેતપંપજળ , મત્સ્યોભોજ વગેરે પક્ષીઓ મહેમાન બને છે.