મોનીટરીંગ કલસ્ટરની રચના જીલ્લામાં સંકલનની સાંકળ રચાઇ
અમરેલી જિલ્લામાં આગામી તા.15 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં તાજેતરમાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં આપવામાં આવેલી સૂચનાઓ મુજબ જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ છે. વધુમાં સાવરકુંડલા તાલુકામાં વર્ષાઋતુ-2022ને લઈ ગ્રામ્યકક્ષા સુધીના મોનિટરિંગ માટે કલસ્ટર બનાવવામાં આવ્યા છે. તાલુકા વિકાસ અધિકારીશ્રી, સાવરકુંડલાએ મોનિટરિંગ માટે 10 થી 12 ગામોના કલસ્ટર બનાવ્યા છે.
દરેક કલસ્ટર દીઠ એક – એક અધિકારી અને કર્મચારીને જવાબદારી સોંપવામાં આવી છે. સમગ્ર અમરેલી જિલ્લામાં આ પ્રકારે વર્ષાઋતુ-2022 દરમ્યાન દરેક તાલુકા કક્ષાએથી લઈ ગ્રામ્યકક્ષા સુધી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ અગમચેતીના પગલા લેવાઈ રહ્યા છે.સાવરકુંડલામાં દરેક કલસ્ટરદીઠ ગ્રામસેવક અને તલાટી કમ મંત્રીને નોડલ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. કલસ્ટર ટીમે આપત્તિલક્ષી તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામ્ય કક્ષાએથી સંબંધક કલસ્ટર ટીમએ ગ્રામ્ય કક્ષાની ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના સતત સંપર્કમાં રહેશે, અને સમયે સમયે જે – તે સ્થળની સ્થિતિના અહેવાલ મોકલશે.
નોડલ અધિકારી-કર્મચારીઓને ફાળવવામાં આવેલા ગામની મુલાકાત લેવામાં આવે છે અને આ ગામમાં આવેલા આશ્રયસ્થાન, અન્ય સરકારી વસાહતોની મુલાકાત પણ કરવામાં આવી છે. તે સ્થળો પર પીવાના પાણીથી લઈ શૌચાલય, લાઈટ સુવિધાની ઉપલબ્ધિ અંગે ખરાઈ કરવામાં આવી છે. જિલ્લાના નાગરિકોને જે – તે ગામોમાં નદીઓ પસાર થતી હોય ત્યાં અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને બિનજરુરી અવર જવર કે, વસવાટ ન કરવા તાકીદની સૂચના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે.