જૂનાગઢ શહેર મધ્યમાં આવેલા ગાંધી ચોક ખાતે મહાનગરપાલિકા દ્વારા વાયુસેનાનું એક એરક્રાફ્ટ મંગાવી મુકવામાં આવેલ છે, જૂનાગઢ શહેરમાં એરક્રાફ્ટ મૂકવામાં આવતાં શહેરના લોકો ખૂબ ઉત્સાહપૂર્વક ગાંધી ચોક ખાતે આવી રહ્યા છે અને એરક્રાફ્ટ સાથેની સેલ્ફી અને ફોટોગ્રાફ પાડી આનંદની અનુભૂતિ કરી રહ્યા હતા.
તેવા સમયે મહાનગરપાલિકા દ્વારા એર ક્રાફ્ટ જે ઓટા ઉપર મુકવામાં આવેલ છે ત્યાં ઓઇલ લગાવી દેવામાં આવતા જૂનાગઢ શહેરમાં આ બાબત ચર્ચાનો વિષય બની હતી અને ભારે વિવાદ સર્જાયો છે.
જો કે અબતક સાથેની મુલાકાતમાં જૂનાગઢ મનપાના કારોબારી ચેરમેન હરેશભાઇ પરસાણાએ જણાવ્યું છે કે, રાત્રિના સમયે સિક્યુરિટી રાખવામાં આવેલી છે અને લોકો એરક્રાફ્ટના ઓટા ઉપર ચડી એર ક્રાફ્ટને નુકસાન ન પહોંચાડે તે માટે દિવસના સમયે સિક્યુરિટી ન હોવાના કારણે ઓઇલ લગાવી દેવામાં આવ્યું છે પરંતુ ટૂંક સમયમાં સિક્યુરિટી તૈનાત કરાયા બાદ આ ઓઇલ હટાવી લેવામાં આવશે તેમ જણાવ્યું છે.
જૂનાગઢ શહેરમાં વાયુસેનાનું એરક્રાફ્ટ આવતા લોકોમાં ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ રહી છે તેવા સમયે સિકયુરિટી રાખવી ન પડે તે માટે મનપા દ્વારા ઓઇલ લગાડવામાં આવતાં ભારે વિવાદ સર્જાયો છે અને આ બાબતની મીડિયાએ નોંધ લેતા મનપા દ્વારા ટૂંક સમયમાં સિક્યુરિટી મૂકવામાં આવશે તેવી ખાતરી મળી છે, ત્યારે મનપા દ્વારા ઓટા પરનું ઓઇલ ક્યારે હટાવાય અને ક્યારે સિક્યુરિટી મૂકવામાં આવે તે ઉપર સૌની મીટ મંડાઈ છે