સુરેન્દ્રનગર નાયબ ખેતી નિયામક જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડુતો દ્વારા હાલ જિલ્લામાં ખરીફ સીઝન માટે રાસાયણિક ખાતર, બિયારણ અને જંતુનાશક દવાની ખરીદી કરવામાં આવી રહી છે. આ બાબતે ખેડુતોને ખરીદી પુર્વે ધ્યાન રાખવા જણાવાયું છે.
જે અન્વયે જંતુનાશક દવા, બિયારણ તથા રાસાયણિક ખાતરની ખરીદી હંમેશા અધિકૃત લાયસન્સ /પરવાનો ધરાવતા વિશ્વાસુ વિક્રેતા પાસેથી જ પાકુ બિલ મેળવીને ખરીદી કરવાનો આગ્રહ રાખવો.
રાસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાની બોટલ/ટીન તથા બિયારણની થેલી સીલબંધ છે કે કેમ તેની ખાતરી કરવી તથા કોઈપણ સંજોગોમાં મુદત પુરી થયેલ જંતુનાશક દવા અથવા તો બિયારણની ખરીદી કરવી નહી. ત્રણેય ઈનપુટના વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર અને પુરેપુરા નામ, સરનામા તથા તેની સહીવાળા બિલમાં ઉત્પાદકનું નામ, લોટ નંબર/બેન્ચ નંબર, ઉત્પાદન તારીખ અને મુદત પુરી થયાની તારીખ (એક્ષપાયરી ડેટ) વગેરે તમામ વિગત દર્શાવતુ પાકુ બિલ મેળવી લેવું. તેમજ ખાતરની થેલી/બારદાન ઉપર યથા પ્રસંગ ફર્ટીલાઈઝર, બાયોફર્ટીલાઈઝર, ઓર્ગેનીક ફર્ટીલાઈઝર અથવા તો નોન-એડીબલ ડી-ઓઈલ્ડ કેક ફર્ટીલાઈઝર એવો શબ્દ ન લખેલ હોય તો તેવી થેલીમાં ભરેલ પદાર્થ ખરેખર ખાતરને બદલે કોઈ ભળતો પદાર્થ હોઈ શકે તો આવા પદાર્થોની ખાતર તરીકે ખરીદી ન કરવી લેભાગુ તત્વો દ્વારા ભળતા નામ/પેકીંગથી લોભામણી સ્કીમો આપી પાકુ બિલ આપ્યા વગર ખાતર/ દવા/બિયારણનું વેચાણ કરે તો તેની ખરીદી ન કરવા તથા આવા લેભાગુ તત્વો બાબતે તેની જાણ નજીકની ખેતીવાડી શાખા/લગત ખેતી અધિકારી/નાયબ ખેતી નિયામક (વિ)ની કચેરી, સુરેન્દ્રનગરને જાણ કરવા વધુમાં જણાવાયું છે.