લાલઢોરી પાસેથી 6 ઝાડ ચંદનના ચોરી થતા અજાણ્યા શખ્સો સામે નોંધાતો ગુનો
જુનાગઢના ગીરનારના જંગલમાં ફરીથી ચંદન ચોરીની ઘટના સામે આવી છે, અને વન વિભાગની ફરી એક વખત વનની સંભાળ તથા સુરક્ષાને લઈને પોલંપોલ ખુલવા પામી છે, ચંદન ચોર ઝાડ કાપી લઈ જતા, ટોળકી ફરી સક્રિય બની હોય તેવી શક્યતાઓ પણ વર્તાઇ છે, અને અંદાજે બે લાખથી વધુના ચંદનના ઝાડની ચોરી મામલે હવે વન વિભાગ ઊંઘમાંથી સફાળું જાગ્યું છે, અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
જુનાગઢ નજીકના ગીરનારના જંગલમાં આવેલ લાલ ઢોરી પાસેની એગ્રીકલ્ચરની રેવન્યુ જમીનમાં ચંદનના અનેક ઝાડ ઉભા છે તે પૈકીના 6 જેટલા ઝાડ કોઈ અજાણ્યા શખ્સો કાપી લઈ ગયું છે,
જે અંગે વનવિભાગને જાણ થતાં વન વિભાગનો સ્ટાફ ચંદનના ઝાડ કપાયા હતા તે સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી, અને બાદમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસનોો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
એક વાત મુજબ કપાયેલા અને ચોરી થયેલા ચંદનના ઝાડ 20 થી વધુ વર્ષની આયુના તથા 5 થી 6 ફૂટનો ઘેરાવો ધરાવતા આ ઝાડ હતા, જે પૈકીના કોઈ અજાણ્યા શખ્સો દ્વારા 6 ઝાડ કાપીને લઈ જવામાં આવ્યા છે, એક પ્રાથમિક અંદાજ મુજબ ચંદનના ઝાડની અંદાજીત કિંમત રૂ. બે થી અઢી લાખની હોય શકે છે, તેવું વન વિભાગના અધિકારીઓ માની રહ્યા છે. અને આ ચોરીમાં હિન્દી ભાષી ટોળકી હોવાની સંભાવના વર્તાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેક વખત વન વિસ્તાર અને આઈજીપી ઓફિસમાંથી ચંદનના ઝાડ કાપીને લઈ જવાની ઘટના નોંધાઈ છે તથા વન વિભાગે ચંદનના લાકડાની ચોરી સબબ મહારાષ્ટ્ર, ઓરંગાબાદ, એમપીની ટોળકીને પકડી પાડી હતી.
ચંદન ચોર દ્વારા આ વખતે લાલઢોરી અને પુનિત આશ્રમના શેઢા પરથી સુગંધિત પવિત્ર ચંદનના ઝાડ કાપીને લઈ જવાયા છે, તેં અંગે જાણકારોના જણાવ્યા મુજબ, ચંદનના વૃક્ષોમાં ઘણા વર્ષો બાદ અને તેનો ઘેરાવો મોટો થયા બાદ તે વૃક્ષમાં ચંદનની સુવાસ બેસે છે અને બાદમાં આ વૃક્ષની કિંમત અમૂલ્ય બને છે ત્યારે ચંદનના વૃક્ષોની તસ્કર દ્વારા ચોરી કરવામાં આવે છે અને આ ચંદનનાં વૃક્ષો ને ઉંચી કિંમતે વેચી દેવામાં આવે છે.