અત્યારે આપણો દેશ આવી જોખમી સંભાવનાનું પ્રતિબિંબ પાડે છે…અહીં એવો કટાક્ષ પણ થઈ શકે છે કે દરેક રાષ્ટ્રને, તે જેને લાયક હોય તેવી સરકાર મળી રહે છે ! આપણા દેશને, સવા અબજની વસતિને ન્યાય અને લોકશાહી મૂલ્યોનું નખશીખ જતન કરે તેવી સરકાર મળી છે ખરી ? સવા લાખનો સવાલ!
કોઈપણ મહાન સંસ્કૃતિ અંદરથી જ પોતાનો નાશ કરેલો ન હોય ત્યાં સુધી બહારથી કોઈ તેને પરાજિત કરી શકતું નથી… આપણા દેશે આ વાતની ગંભીરપણે નોંધ લેવી ઘટે: ઈતિહાસનું પુનરાવર્તન ન થવા દેવાની આ પૂર્વ શરત છે !
આપણા દેશની વર્તમાન સ્થિતિ વિષે સમીક્ષા કરતાં પહેલા એના ઈતિહાસની નોંધ લેવાનું ઉચિત બને છે.
દરેક રાષ્ટ્રનો સ્વાંત્ર્ય સંગ્રામ રોમાંચક વીરતાથી ભરેલો હોય છે. સ્વતંત્ર રાષ્ટ્ર પોતાના સ્વાતંત્ર્ય સંગ્રામના સ્મરણોને હંમેશા નવી પેઢીઓ માટે જીવંત રાખવાની ગરજ સારે છે. જે પેઢી રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય કાજે તેના પૂરોગામીઓની શહાદત, કુરબાની અને શૌર્યને યાદ નથી કરતી તે સ્વાતંત્ર્યને યોગ્ય રહેતી નથી. ખરૂ જોતા, ઈતિહાસની આ સૌથી કિંમતી સામગ્રી છે.
મહાત્મા ગાંધીજીનાં નેતૃત્વ હેઠળ ખેલાયેલો ભારતનો સ્વાધીનતા સંગ્રામ અનેક રીતે અનોખો હતો. સત્ય અને અહિંસા, સત્યાગ્રહ, સવિનય કાનૂન ભંગ, ઉપવાસ અને પ્રજાકીય એકતા તેમજ કૂરબાનીના શસ્ત્રો સાથે તેઓ હાકેમી બ્રિટીશ સલ્તનતના જુલ્મો સામે ઝઝૂમ્યા તથા જીત્યા એમ એમનું નેતૃત્વ અનેક રીતે અનોખું હતુ.
એમના સાથીદારો પણ એકએકથી ચઢિયાતા લડવૈયા હતા. એમની આ લડતનું અને સ્વાધીનતા સંગ્રામનું લક્ષ્ય હિન્દુસ્તાન ભારતમાં સ્વરાજ લાવવાનું અને તે પછી રામરાજય લાવવાનું એને માટે આખો દેશ એમની સાથે હતો એમાં ગરીબ પ્રજા પણ હતી અને તવંગરો પણ હતા.
તેમણે શ્રધ્ધભેર એમ કહ્યું હતુ કે જો મને કો મારી નહિ નાખે તોહું સવા સો વર્ષ સુધી જીવવાનો છું, અને રામરાજય સ્થપાતાં સુધી મથીશ. અત્યારે દુ:ખ સાથે કહેવું પડે તેમ છે કે, આપણો દેશ સ્વાધીનતા પામ્યો છે. પરંતુ આઝાદીના ૭૨-૭૩ વર્ષ પછી પણ આ દેશની ગરીબોને આઝાદીના ફળની એકાદ ચીરેય ચાખવા મળી નથી.
આપણા દેશની હાલત બદતરથીયે વધુ બદતર જેવી રહી છે રામરાજય અને અયોધ્યા -મંદિરના નામે આપણા નેતાઓએ આપણી ભોળીભળી પ્રજાને ભોળાવ્યા કરી છે.
વિકાસની તથા સુખ-સંતોષ પામવાની બાંહેધરી આપી-આપીને આ નેતાઓએ પ્રજાને છેતર્યા કરી છે.
ગુલાબી વચનોની અને બનાવટી ખાતરીઓ, આપ્યા કરીને આપણા નેતાઓ ચૂંટણીઓમાં મત મેળવ્યા કર્યા છે. અને રાજગાદી લક્ષી જ રાજકારણ ખેલ્યા કરીને તેમણે આ દેશની અધોગતિ નોતરી છે. અને દેશની પોણા ભાગની ગરીબ પ્રજાને બેફામ ઠગી છે!…
એક અભ્યાસીએ સાચું જ કહ્યું છે કે, આપણા દેશમાં ભલે પ્રજાસત્તાક શાસન પ્રવર્તે છે. લોકશાહી પધ્ધતિનું શાસન છે, લોકરાજ અને પ્રજારાજ છે એવા બણગાં ફૂંકવામાં આવે છે, તે પાયામાંથી ખોટા છે.
અહી પેલી કહેવત ખરી ઠરે છે કે, ‘લોકશાહીની સામે એકલી ટેન્કોનું’ જ જોખમ નથી, એનાથી મોટું જોખમ તો ભાષણખોરીનું છે, જે ટેન્કો ભણી લઈ જવાનું જોખમ ધરાવે છે.
અહી એવો કટાક્ષ પણ થઈ શકે છે કે, દરેક રાષ્ટ્રને તે જેને લાયક હોય તેવી સરકાર મળી રહે છે !
આપણા દેશને તે સવા અબજની વસતિને ન્યાય તથા લોકશાહી મૂલ્યોનું નખશીખ જતન કરે તેવી સરકાર મળી છે. ખરી?
આપણે ત્યાં એક તબકકે શ્રી ગુજરાલ વડાપ્રધાન હતા ત્યાર એમ કહેવાયું હતુ કે ૧૮૫૭માં આ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતાનો સંઘર્ષ શરૂ થયો હતો અને પાછળથી બ્રિટીશ સામ્રાજયવાદીઓએ આઈએનએના બહાદૂર સૈનિકો સામે આજ કિલ્લામાં ફોજદારી ચલાવી હતી નેતાજી સુભાષચંદ્ર બોઝે લાલ કિલ્લા ચલો નો નારો આપ્યો હતો. લાલ કિલ્લા ભારતની સ્વતંત્રતાનાં સંઘર્ષનુ એક ચિન્હ બની ગયું. સ્વતંત્રતા સેનાનીઓ આ ગીત ગાતા હતા ‘કદમ કદમ બઢાયે જા, યે જીંદગી હૈ કૌમ કી, તુ કૌમ પે લુટાયે જા.’
આ બધું વર્ષોથી આપણા નેતાઓ દ્વારા કહેવાતુયં આવ્યું છે. આપણી ગરીબ અને સતત ભોળવાતી રહેલી પ્રજાએ તે સહન કર્યા કર્યું છે. આ પરિસ્થિતિ બેશક જોખમી છે.
ભાષણખોરીનું જોખમ સરવાલે ટેન્કોભણી દોરી જાય છે.
અત્યારે આપણો દેશ કોરોનાગ્રસ્ત છે અને સરકાર તથા પ્રજા એની પીડા સહન કરે છે. ઓછામાં પૂરૂં તે આર્થિક, સામાજીક અને રાજકીય વિટંબણાઓથી ઘેરાયેલો છે.
વડાપ્રધાન મથે છે. મુંઝવણો બેસુમાર છે. ભાષણખોરી છેતરામણી અને ત્યારે કરોડો લોકોને એ વીંછીની જેમ ડંખે છે.
આપણે દુનિયામાં સૌથી ઉંચા ‘સ્ટેચ્યુ’ના અને તેની ભવ્યતાનાં કામણ કરી ચૂકયા છીએ.
‘રામમંદિર’ માટેની શ્રી રામની પ્રતિમાની ઉંચાઈનો મુદો હજુ ઉભો છે.
સરકારી ખર્ચાઓ બેફામ બન્યા છે. વહીવટી તંત્રમાં કરકસરનું નામનિશાન નથી. આગામી મહિનાઓ માત્ર કસોટીના નહિ કટોકટીનાં બનવાના છે. સામૂહિક પ્રાર્થનાઓ કદાચ રાહત રૂપ બને !