અબતક-રાજકોટ
ટંકારા પાસે ડેમી ડેમમાં નાહવા ગયેલા ત્રણ જીગરજાન મિત્રોના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. નાહતી વેળાએ એક યુવાનનો પગ લપસતા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેને બચાવવા બીજા મિત્રએ ઝંપલાવ્યું હતું. પરંતુ બંને ખાડામાં ગરકાવ થઈ જતા ત્રીજા મિત્રએ પણ ડૂબકી લગાવતા ત્રણેય મિત્રોએ એકસાથે જીવ ગુમાવ્યો હતો.
એક મિત્ર ઊંડા પાણીમાં ડૂબતા તેને બચાવવા બીજા મિત્રએ ઝંપલાવ્યું, બંનેને બચાવવા ત્રીજા મિત્રએ પણ ડૂબકી લગાવી: એક સાથે ત્રણેય મિત્રોના મોત
મોરબી શહેરમાં રહેતા મિત્રો ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિરના પાછળના ભાગમાં આવેલા ડેમી-2 ડેમના પાણીમાં નાહવા ગયા હતા. મોજમસ્તી કરતી વખતે એક યુવકનો પગ લપસતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેને બચાવવા જતાં સાથે વારાફરતી અન્ય બે યુવાન પણ ઊતર્યા અને ત્રણેય ડૂબી ગયા હતા. આ બનાવમાં ડેમમાં ડૂબી જતાં રિશી ભાવેશભાઈ દોશી (ઉં.વ.17), દીપક દિનેશભાઇ હડિયલ (ઉ.વ.19) અને સ્વયં જેઠાભાઇ ભાનુશાલી (ઉં.વ.17)ના મોત નિપજ્યા હતા.
આ ઘટનાની કરુણાંતિકા એ હતી કે નાહવા પડેલા કે બચાવવા પડેલા કોઈ મિત્રોને તરતા આવડતું ન હતું. બાકીના ત્રણે મિત્રો નાહતા હતા એ દરમિયાન એક મિત્રનો પગ લપસતાં તે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો,
આથી બાકીના બન્ને તેને બચાવવા મરણિયા બન્યા હતા અને એ બન્ને પણ ડૂબવા લાગ્યા હતા અને એક પછી એક-એક એમ ત્રણેય મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં ત્રણેયનાં ડૂબી જવાથી મોત થયાં હતાં. બનાવની જાણ થતાં ટંકારા પોલીસની ટીમ, મોરબી ફાયરની ટીમ તેમજ મોરબી 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહ બહાર કાઢી મોરબી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલવા તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે ટંકારા પોલીસે એડી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.