રાજકોટના શખ્સ સહિત બે શખ્સો સામે નોંધાતો ગુનો: વોન્ટેડને પકડવા જતા પોલીસને લાકડી વડે ફટકારી
રાજકોટ મોરબી માર્ગ પર આવેલા વિરપર ગામ પાસે દ્વારકાધીશ હોટલે મારામારી અને ધમકી આપવાના ગુનામાં વોન્ટેડ શખ્સે પોલીસ ધરપકડથી બચવા ટંકારા પોલીસ મથકના સ્ટાફ સાથે ઝપાઝપી કરી લાકડી વડે મારમારી ફરજ રૂકાવટ કર્યાની રાજકોટના શખ્સ સહિત બે શખ્સ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વિગત મુજબ ટંકારા પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ ગગુભાઈ બાલાસરાએ મોરબી બાયપાસ પાસે તુલશી પાર્ક સોસાયટીમાં રહેતો નવઘણભાઈ મોહનભાઈ બાંભવા, મુળ ધ્રોલ તાલુકાના ઈટાળા ગામના વતની અને હાલ રાજકોટના કાલાવડ રોડ કોટેચા ચોક, નાલંદા સોસાયટીમાં રહેતો મચ્છા ઉર્ફે લાલો પરબત વરૂ એ ફરજમાં રૂકાવટ કરી લાકડી વડે મારમાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મોરબી સીટી એ ડીવીઝન, બી.ડીવીઝન અને વાંકાનેર સીટી પોલીસ મથકના ચોપડે મારામારી અને ધમકીનાં ગુનામાં વોન્ટેડ હોય અને તે વીરપર ગામે આવેલી દ્વારકાધીશ હોટલે હોવાની ટંકારા પોલીસને મળેલીબાતમીનાં આધારે સ્ટાફ ઘસી ગયો હતો.
નવઘણ બાંભવા અને મચ્છા વરૂએ ધરપકડથી બચવા પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરી લાકડી વડે મારમાર્યાની ફરજમાં રૂકાવટ કર્યાનું ખુલતા પોલીસે બંને સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.