મોડી રાત સુધી ગેમ રમ્યા બાદ સવારે વહેલા ન ઉઠતા માતાએ ઠપકો આપ્યો: બે દિવસ પહેલા ઘરેથી ભાગી જઈ ડેમમાં ઝંપલાવ્યું
બાળકો અને યુવાવસ્થાને લાગેલો ગેમનો ચસ્કો ઘણીવાર પરિવારના માળા પિખી નાખે છે. ભૂતકાળમાં પણ અનેક વખત ગેમ રમવાની બાબતે અનેક તરુણ અને યુવાનોએ પોતાની જીવાદોરી ટૂંકાવી લીધી હતી. તેવો જ એક કિસ્સો ટંકારામાં નોંધાયો છે. જેમાં યુવાનને ગેમ રમવા બાબતે માતાએ ઠપકો આપતા ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. મોડી રાત સુધી ગેમ રમ્યા બાદ સવારે વહેલા ન ઉઠતા માતાએ ઠપકો આપ્યો હતો. જેના પગલે પુત્ર ઘરેથી નીકળી ગયા બાદ ડેમમાં પડતું મૂક્યું હોવાનુ સામે આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ટંકારામાં રહેતા અને છૂટક સેન્ટિંગનું કામ કરતા અતુલભાઈ ઉર્ફે વિજયભાઈ બટુકભાઈ ચાવડા નામના ૨૭ વર્ષીય યુવાનનો મૃતદેહ નશિતપર ડેમ-૨ માંથી મળી આવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. પોલીસે મૃતદેહ બહાર કાઢી તેને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક અતુલભાઈ ઉર્ફે વિજયભાઈ ચાવડા ત્રણ દિવસ પહેલા મોડી રાત્રીના ૩ વાગ્યા સુધી પબજી ગેમ રમતો હતો. જેથી બીજા દિવસે સવારે વહેલા ન ઉઠતા માતા મીનાબેને ઠપકો આપતા તેને લાગી આવ્યું હતું. જેથી યુવાન ગત તા.૧૬મીના રોજ ઘરેથી નીકળી ગયો હતો.
જેથી પરીવારજનોએ તપાસ કર્યા બાદ પોલીસમાં ગુમનોંધ નોંધાવી હતી. જેની તપાસમાં ગઇ કાલે સાંજે ટંકારા પાસે આવેલા નશિતપર ડેમમાંથી અતુલભાઈ ઉર્ફે વિજયભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.
જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ અતુલ ઉર્ફે વિજયને માતાએ ગેમ રમવા બાબતે ઠપકો આપતાં તેને લાગી આવ્યું હતું. જેથી પુત્રએ ડેમમાં ઝંપલાવી દીધું હોવાનુ સામે આવ્યું છે. મૃતક છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને બે ભાઈ એક બહેનમાં મોટો હતો. યુવાનના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.