તબીબે ઇન્જેક્શન આપ્યા બાદ વિદ્યાર્થીનીની તબિયત લથડી: પરિવારજનોનો ડોક્ટર સામે આક્ષેપ
ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતી યુવતીને મોઢામાં છાલા પડી જતા ટંકારા ક્લીનીકમાં તબીબે ઇન્જેક્શન આપ્યા બાદ તેણીની તબીયત લથડતા મોત નિપજ્યું હતું. પરિવારજનોએ ટંકારાના તબીબ સામે બેદરકારીનો આક્ષેપ કરતા પોલીસે મૃતદેહને રાજકોટ મેડીકલ કોલેજ ખાતે ફોરેન્સીક પીએમ માટે ખસેડ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતી સોનલબેન ઉગાભાઇ ઉર્ફે છગનભાઇ ચૌહાણ નામની 20 વર્ષીય યુવતીની તબિયત લથડતા રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ યુવતીને સારવાર મળે તે પહેલા જ તેણીએ દમ તોડતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. ઘટના અંગે ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક સોનલબેન બી.કોમ.માં અભ્યાસ કરતા હોય તેણીને ચાર દિવસ પહેલા મોઢામાં છાલા પડતા ટંકારા ખાતે આવેલી ડો.પુજા દવેની શિવ હોસ્પિટલમાં દવા માટે ગયા હતા. જ્યાં તબીબે કોઇ ઇન્જેક્શન આપી દેતા બીજા દિવસે સોનલબેનની તબીયત વધુ લથડી હતી.
જેથી યુવતીને તુરંત ટંકારા સરકારી હોસ્પિટલમાં લઇ જતા તેણીને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવતા તેણીનું સારવાર મળે તે પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જે અંગે મૃતક સોનલબેનના પરિવારજનોએ ટંકારા શિવ હોસ્પિટલના તબીબ ડો.પુજા દવે સામે બેદરકારીના આક્ષેપ કરતા પોલીસે મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે.