- બપોરે જમણવાર બાદ એકાએક બાળકો અને મહિલાઓને ઝાડા-ઉલટી થવા લાગ્યા
- સારવાર માંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને વાંકાનેર સરકારી દવાખાને પરિવારજનોનો જમાવડો: આરોગ્ય વિભાગ દોડતું થયું
ટંકારા તાલુકાના મિતાણા ગામમાં એક સિમતના પ્રસંગમાં બપોરે જમ્યા બાદ સાત બાળકો સહિત 10 લોકોને ખોરાકી ઝેરી અસર થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં પાંચ બાળકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને અન્ય લોકોને વાંકાનેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક જ પરિવારમાં એકાએક ફૂડ પોઇઝન થતા હોસ્પિટલમાં પરિવારજનોના જમાવડો જોવા મળી રહ્યો છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ટંકારા તાલુકાના મિતાણા ગામે ઇમરાનભાઈ સલીમભાઈ ઢેબાના ઘરમાં સિમતનો પ્રસંગ હોવાથી જુદા-જુદા ગામેથી 100 જેટલા મહેમાનો આવ્યા હતા. પ્રસંગ બાદ તમામ મહેમાનોએ બપોરના સમયે મીઠાઈ, ચવાણું અને અકનીનું ભોજન આરોગ્ય હતું.
બપોરના ભોજન બાદ મહેમાનો છુટા પડવા લાગ્યા હતા ત્યાં અચાનક જ અમુક બાળકો અને મહિલાઓની તબિયત લથડવા લાગી હતી. જેથી પ્રસંગમાં અચાનક દોડાદોડી મચી ગઇ હતી. જેના કારણે મહેમાનોને કને બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ નોબત આવી હતી.
સિમતના પ્રસંગમાં બપોરે ભોજન લીધા બાદ રાજકોટના આરઝૂ યુનુસભાઈ રાઉમાં (ઉ.વ.11) અને અબ્બાસ યુનુસભાઈ રાઉમાં (ઉ.વ.5) તથા સુરેન્દ્રનગરના રિઝવાન સિકંદરભાઈ મકવાણા (ઉ.વ.5), સુહાન સિકંદરભાઈ મકવાણા (ઉ.વ.7) અને નાજીર યુનુસભાઈ જૂણેજા (ઉ.વ.9)ની તબિયત લથડતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે અન્ય મહેમનોમાં વાંકાનેરના માહિમ સમીરભાઈ નારૈયા (ઉ.વ.5) અને અફ્રોજ ઈમરાનભાઈ કયડા(ઉ.વ.5) તથા હસીનાબેન મહેબૂબભાઈ નારૈયા (ઉ.વ.44)ને સારવાર માટે વાંકાનેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે રાજકોટના શરીફાબેન યુનુસભાઈ જુણેજા (ઉ.વ.39) અને ચોટીલાના કુલસુમબેન અબ્દુલભાઈ નારૈયા (ઉ.વ.42)ને પણ ઝાડા-ઉલટી થતા વાંકાનેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મિતાણા ગામમાં પ્રસંગમાં એકાએક સાત બાળકો અને ત્રણ મહિલાઓ સહિત દસ લોકોને ખોરાકી ઝેરી અસર થયાની જાણ થતાં આરોગ્ય વિભાગ તુરંત દોડી ગયું હતું. આરોગ્ય વિભાગના અધિકારીઓ ખોરાકનો નમૂનો લઈને આગળની તપાસ હાથધરી છે. આ પ્રસંગમાં કુલ 100 જેટલા મહેમાનો પધાર્યા હતા પરંતુ 10 લોકોને ફૂડ પોઇઝનિંગ થતા પ્રસંગમાં દોડાદોડી મચી ગઇ હતી.