રેસ્કયુ ઓપરેશનમાં અદભૂત સાહસ દર્શાવી ઠેર ઠેર પ્રશંસા પામનારા પૃથ્વીરાજસિંહ રાજકોટની હરભમજીરાજ ગરાસીયા છાત્રાલયના વિદ્યાર્થી રહી ચૂકયા છે
સૌરાષ્ટ્રભરમાં ગત શુક્ર અને શનિવારે મેઘરાજાએ પોતાની કૃપા વરસાવી હતી રાજકોટ અને મોરબી જિલ્લામાં મેઘરાજાએ પોતાનું વરવુ સ્વરૂપ બતાવતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ નિર્માણ થવા પામી હતી જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા ભારે પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવા એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, પોલીસ, ફાયર બ્રિગેડ સહિતના જવાનો રાતદિવસ કામે લાગી ગયા હતા. જેમાં મોરબી જિલ્લાના ટંકારાના કલ્યાણપૂર ગામે પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીસિંહ જાડેજાએ હાથ ધરેલુ રેસ્કયુ ઓપરેશન સોશ્યલ મીડિયામાં વાઈરલ થયા બાદ તેને લોકોના દીલ જીતવાની સાથે દેશભરનાં આગેવાનોની પ્રશંસા પણ મેળવી હતી.
ભારે વરસાદ અને તેના કારણે આવેલા પૂરના કારણે ટંકારાના કલ્યાણપૂર ગામ ટાપુમાં ફેરવાઈ જવા પામ્યું હતુ જેમાં ફસાયેલા ગામલોકોને કાઢવા હાથ ધરોલા રેસ્કયુ ઓપરેશનમાં ટંકારા પોલીસના જવાનો પણ જોડાયા હતા.
આ રેસ્કયુ ઓપરેશનમાં કેડ સમાણા પાણીમાં ટંકારા પોલીસના કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા પોતાના જીવની પરવા કર્યા વગર બે બાળકોને પોતાના ખંભે બેસાડીને પાણીમાંથી દોઢ કીમી દૂર સુધી સલામત સ્થળે ખસેડતા હોવાનો વિડિયો સોશ્યલ મીડીયામાં વાઈરલ થયો હતો. પોતાના જીવની પરવા કર્યા વગર પૂરમાં ફસાયેલા બાળકોને હનુમાનની જેમ બચાવીને પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહના આ કાર્ય અને ફરજ નિષ્ઠાએ લોકોના દિલ જીતી લીધા હતા પૃથ્વીરાજસિંહના આ કાર્યની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રશંસા કરી હતી. વિજયભાઈએ તેમના ટવીટરમાં પૃથ્વીરાજસિંહની પ્રશંસા કરીને સરકારી કર્મચારીની ફણજનિષ્ઠાને ઉત્તમ દ્રષ્ટાંત સમાન ગણાવ્યું હતુ.
જયારે, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે પણ પૃથ્વીરાજસિંહના આ કાર્યની પ્રશંસા કરતુ ટવીટ કર્યું છે. લક્ષ્મણે આ કાર્યને સમર્પણ અને હિમંતનું શ્રેષ્ઠ ઉદાહરણ સમાન ગણાવ્યું હતુ જયારે દૂરદર્શનના ડીરેકટર જનરલ એવા આઈએએસ અધિકારી સુપ્રિયા સાદુએ પણ પૃથ્વીરાજસિંહના આ કાર્યને પ્રસંશનીય અને અદભૂત ગણાવ્યું હતુ ભાજપના વરિષ્ઠ નેતા મેજર સુરેન્દ્ર પૂનીયાએ પણ ટવીટર પર આ પૃથ્વીરાજસિહના આ ફરજનિષ્ઠાની પ્રસંશા કરીને તેમની હિંમત અને ફરજ મો જીવના જોખમ મૂકવાના કાર્યને સેલ્યુટ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લાના કોયલી ગામના પૃથ્વીરાજસિંહ જાડેજા ૨૦૧૭માં મોરબી જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરીમાં જોડાયા છે.તેઓએ રાજકોટમાં અભ્યાસ કર્યો છે. અને અભ્યાસ દરમ્યાન રાજકોટમાં આવેલા હરભમજીરાજ ગરાસીયા છાત્રાલયમાં રહેતા હતા યુવાન પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહના રેસ્કયુ દરમ્યાન અદભૂત હિંમતભર્યા કાર્યની દેશભરમાં ચચા અને પ્રશંસા થઈ રહી છે. જેથી તેમના રાજકોટના મિત્રો, સહપાઠીઓમાં પણ ગૌરવની લાગણી વ્યાપી જવા પામી છે.
મોરબી પોલીસનું નામ રાષ્ટ્રીય સ્તરે ગુંજતા ગૌરવની લાગણી અનુભવું છું: ડો.કરણરાજ વાઘેલા (આઈપીએસ)
ટંકારાનાં કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા પુરમાં બે બાળકીઓની સાળ-સંભાળ લઈ તેને હેમખેમ પુરથી બચાવવા માટે જે કામગીરી હાથધરી તેને રાષ્ટ્રીય સ્તર પર નોંધ લેવામાં આવી છે. નામાંકિત રાજકારણીઓ જેવા કે જયોતિરાદિત્ય સિંધીયા, મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ભારતીય ટીમનાં ખેલાડી વી.વી.એસ.લક્ષ્મણ, સ્મૃતિ ઈરાની, ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત રાજયનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતનાં અનેક નેતાઓએ પૃથ્વીરાજસિંહ જાડેજાની કામગીરી બિરદાવી છે. આ તકે મોરબીનાં સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ ડો.કરણરાજ વાઘેલાએ અબતક સાથે ટેલીફોનીક વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તમામ સ્ટાફને કે જેઓ બચાવ કાર્યમાં કામગીરી કરેલી છે તે સર્વેને પ્રશંસાપત્ર આપવામાં આવશે અને વિશેષરૂપે પ્રશંસાપત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાને પણ અપાશે. પૃથ્વીરાજસિંહ દ્વારા કરવામાં આવેલી કામગીરીથી મોરબી પોલીસનું નામ રાષ્ટ્રીય સ્તર ગુંજતું થયું છે જેનો આનંદ અનેરો છે અને ગૌરવની પણ અનુભૂતી થઈ રહી છે. આ તકે એસ.પી. ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, તેઓ હરહંમેશ તેમનાં પોલીસ જવાનોની સારસંભાળ અને રક્ષણ માટે કટીબઘ્ધ છે અને આવનારા દિવસોમાં પણ આ પ્રક્રિયા યથાવત રહેશે. મોરબી પોલીસ જવાનો દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી છે તેનાથી તેમની ટીમનું અને તેમનું પોતાનાં મનોબળમાં પણ અનેકગણો વધારો થયો છે જેનો શ્રેય મોરબી પોલીસનાં શીરે જાય છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમને ગર્વ એ વાતનો છે કે તેઓ મોરબી પોલીસનાં વડા છે.