મધ્યપ્રદેશથી એક માસ પહેલા જ આવેલા બાળક પર ભુંડે હુમલો કરતા હાલત ગંભીર

ટંકારાના અમરાપર ગામે ઇરફાન ભાઈની વાડીમા પરપ્રાંતીય ખેત મજૂરના દસ વર્ષના બાળક ઉપર જંગલી સુવરે હુમલો કરતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી છે. એક માસ પહેલા જ પેટિયું રડવા આવેલા પરિવારના માસુમ બાળકને ભૂંડે બચકા ભરી લેતા આસપાસના વિસ્તારમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ટંકારા તાલુકાના અમરાપર ગામમાં આવેલી ઇરફાનભાઈની વાડીએ ગઇ કાલે દસ વર્ષના માસૂમ બાળક સંજય મડિયાભાઈ બામણીયા પર જંગલી સૂવરે હુમલો કરતા તેને ગંભીર હાલતમાં ટંકારા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ ઘટના અંગે 108 ઇમર્જન્સીને કોલ કરતા 108ની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. ઇએમટી રુબિયા ખુરેસી, પાયલોટ મુકેશભાઈએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ડો. વિશ્ર્વાસ કાવર દ્વારા ચાલુ કરી વધુ સારવાર માટે તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે.

બનાવ અંગે બાળક સંજયના પિતાએ જણાવ્યું હતું કે તેઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને બાળક તેમના વતનમાં પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. એક માસ પહેલા પેટિયું રળવા માટે ટંકારા તાલુકાના અમરાપર ગામે વાડીમાં કામ કરવા આવ્યા હતા. ગઇ કાલે બાળક ઇરફાનભાઈની વાડીએ રમી રહ્યું હતું તે દરમિયાન અચાનક જંગલી સુવરે તેને બચકા ભરી લેતા બાળક ચીસો પાડવા લાગ્યું હતું. બાળકની ચીસો સાંભળી આસપાસના શ્રમિકોએ સુવરને ત્યાંથી તગડી મૂકી તેના પિતાને જાણ કરી હતી. માસુમ બાળક સંજયને ભૂંડના મુખમાંથી બચાવી પ્રથમ ટંકારા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.