ટેલીકોમ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ તા.૧૯ નવેમ્બરના રોજ નિર્ણય જાહેર કર્યો છે કે પ્રત્યેક ચેનલ પર પ્રતિમાસ રૂપિયા ૨૫ થી રૂપિયા ૪૫ સુધી એમ આર.પી. લાગુ કરવી જેનો અમલ ૨૯ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજથી અમલમાં આવશે. જેનો પડધરી તાલુકા કેબલ ઓપરેટર એસો.એ વિરોધ નોંધાવી મામલતદારને આવેદન પાઠવ્યું હતું.
ટેલીકોમ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના નિર્ણયના કેબલ ઓપરેટર એસોસીએશન ઓફ ગુજરાત તથા તમામ કેબલ ઓપરેટર્સ અને બીજા એસોસીએશન દ્વારા સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યા છે. ટ્રાય દ્વારા જે નિર્ણય કરાયો છે તે તગલખી હુકમ છે અને સરમુખત્યાર જેવુ પગલુ ભર્યું છે. કારણકે નિર્ણય લેતા પહેલા ટ્રાઈએ ગ્રાહક સુરક્ષા જેવી સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ, એનજીઓ અને બીજા રાજકિય સરકારી સંસ્થાઓ સાથે ચર્ચા વિમર્શ કરવાનો હોય છે. જે નિર્ણયથી કેવી વિપરીત અસરો પડશે તે જોગે વિચાર વિમર્શ કર્યા બાદ નિર્ણય લેવો જોઈએ પરંતુ ટ્રાઈએ મનસ્વીપણે સરમુખત્યાર જેવો નિર્ણય જાહેર કરેલ છે જેને અમો વખોડીએ છીએ અને તે નિર્ણયને રદ કરવો જોઈએ.