ઇન્ટરલોકીંગ ‘ફેલ સેફ’ સિસ્ટમ : નિષ્ફ્ળતા સર્જાતા જ તમામ સિગ્નલ લાલ થઇ જાય તો પછી ટ્રેનને લુપ લાઈન પર શિફ્ટ કેવી રીતે કરાઈ?
સીબીઆઈએ સોમવારે બાલાસોર ટ્રેન દુર્ઘટના અંગે તપાસ શરૂ કર્યા બાદ રેલ્વેના ટોચના અધિકારીઓએ ફરી એકવાર ભાર મૂક્યો હતો કે, ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે “ઈરાદાપૂર્વકની દખલ”ને કારણે આ દુર્ઘટના બની હતી.
ગઈકાલે મોડી સાંજે સીબીઆઈની એક ટીમ તપાસ શરૂ કરવા માટે ક્રેશ સાઇટ પર પહોંચી હતી. જે અન્ય બાબતોની સાથે કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાની ઘટના બેદરકારી કે તોડફોડને કારણે હતી કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રેલવેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બહાનાગા બજાર સ્ટેશન પર કેબિનમાં ઇન્ટરલોકિંગ સિસ્ટમના “તર્ક” સાથે અમુક પ્રકારની ‘માનવસર્જિત છેડછાડ’ કરવામાં આવી હતી, જે સ્ટ્રેચ પર સિગ્નલિંગની દેખરેખ રાખે છે.
બાલાસોરમાં ટ્રિપલ ટ્રેન દુર્ઘટના અંગે નામ ન આપવાની શરતે એક રેલવે અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે તેમની પ્રાથમિક તપાસમાં ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે ચેડાં કરવાના સ્પષ્ટ પુરાવા મળ્યા છે અને સીબીઆઈ જેવી પ્રોફેશનલ એજન્સી દ્વારા કરવામાં આવેલી તપાસથી એ ઓળખવામાં મદદ મળશે કે આ ઘટના પાછળ કોણ જવાબદાર હતું.
રેલ ભવનના ટોચના અધિકારીએ રવિવારે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની ટિપ્પણીને પુનરોચ્ચાર કર્યો હતો કે ઇન્ટરલોકિંગ સિસ્ટમ સિગ્નલિંગની ખૂબ જ સલામત રીત છે. આ સિસ્ટમને “ફેલ સેફ” તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ છે કે જો સિસ્ટમમાં કોઈ પણ નિષ્ફળતા આવે તો તમામ સિગ્નલો લાલ થઈ જશે, જે બધી ટ્રેનોને અટકાવી દેશે.
તેથી જ્યાં સુધી સિસ્ટમમાં ઇરાદાપૂર્વક હસ્તક્ષેપ ન થાય ત્યાં સુધી તે શક્ય નથી કે ટ્રેન માટે મુખ્ય લાઇન માટે સેટ કરેલ રૂટને લૂપ લાઇન પર સ્વિચ કરવામાં આવે. જેથી મોટી શંકા ઉદભવી છે. સૂત્રોએ એ પણ ભારપૂર્વક જણાવ્યું કે રેલવે દ્વારા ઉપયોગમાં લેવાતી ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમને સીલ 4 પ્રમાણપત્ર મળ્યું છે, જે શ્રેષ્ઠ છે અને 100% સલામતી માટે આપવામાં આવ્યું છે.
રેલવે બોર્ડે આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ શા માટે કરી તે અંગે પૂછવામાં આવતા રેલવે અધિકારીએ કહ્યું, આ એક ખૂબ જ મહત્વપૂર્ણ તપાસ છે. અમારી તપાસ દરમિયાન ઘણી બધી માહિતી સામે આવી છે અને ઉપલબ્ધ માહિતી માટે વ્યાવસાયિક તપાસ જરૂરી છે. તેથી જ સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી હતી.
અધિકારીએ એવા પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો કે શું આ કિસ્સામાં રિલે રૂમ જ્યાં સિગ્નલિંગ સિસ્ટમ રાખવામાં આવી છે તે ખુલ્લો હતો કે કેમ? કેટલાક રેલ્વે નિષ્ણાતોએ એમ પણ કહ્યું છે કે, એકવાર ટ્રેનનો રૂટ સેટ અને લૉક થઈ જાય પછી જ્યાં સુધી ટ્રેન લૉક કરેલા રૂટ પર તેની મુસાફરી પૂરી ન કરે ત્યાં સુધી તેને બદલી શકાતી નથી.
ઈન્ટરલોકિંગ સિસ્ટમ એટલે શું?
રેલ્વેની ઈન્ટરલોકીંગ સિસ્ટમ એવી ટેક્નોલોજી છે, જે રેલ્વેના સિગ્નલને નિયંત્રિત કરે છે અને તે મુજબ ટ્રેકમાં ફેરફાર કરે છે.
રેલવેમાં બે પ્રકારની ઇન્ટરલોકિંગ સિસ્ટમ છે. કમ્પ્યુટર દ્વારા નિયંત્રિત ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ. બીજી – લીવર પુલ સાથે મેન્યુઅલ સિસ્ટમ
એ જ રીતે રેલ્વે ટ્રેક પણ અપ અને ડાઉન લાઇનમાં વહેંચાયેલો છે. અકસ્માતની ઘટનામાં ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ હતી.આ સિસ્ટમ ટ્રેક ખાલી જોઈને ટ્રેનને ગ્રીન સિગ્નલ આપે છે અને ટ્રેન સીધી મુખ્ય લાઇન પર રવાના થાય છે.
જો ટ્રેક વ્યસ્ત હોય, તો સિસ્ટમ યલ્લો સિગ્નલ આપે છે અને ટ્રેનને મુખ્ય લાઇનથી લૂપ (આઉટર લાઇન) તરફ વાળે છે.
અકસ્માતના સ્થળે કોરોમંડલ માટે ગ્રીન સિગ્નલ હતું, પરંતુ ઈલેક્ટ્રોનિક સિસ્ટમમાં ખામીને કારણે તે લૂપ લાઈનમાં ગઈ હતી. આવું કેમ થયું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
પોઇન્ટ મશીન એટલે શું?
ઇન્ટરલોકિંગ સિસ્ટમ ટ્રેનની અવરજવર સાથે જોડાયેલી છે. તે જ સમયે, આમાં પોઈન્ટ સ્વિચ અથવા પોઈન્ટ મશીનની ભૂમિકા પણ મહત્વપૂર્ણ છે. સરળ ભાષામાં, ટ્રેનોની સ્થિતિ અનુસાર તે એક લાઇનથી બીજી લાઇન પર જવા માટે ટ્રેકને જોડવાનું કામ કરે છે. ટ્રેનોના ઝડપી સંચાલન અને લોકીંગને ધ્યાનમાં રાખીને રેલ્વે સિગ્નલિંગ માટે પોઈન્ટ મશીન એક મહત્વપૂર્ણ સાધન છે. તે ટ્રેનને સુરક્ષિત ચલાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઈલેક્ટ્રિક પોઈન્ટ મશીન દ્વારા પોઈન્ટ સ્વીચને અનલોક અને ઓપરેટ કરવાનું કાર્ય કરી શકે છે. આમાં, ઇલેક્ટ્રિક મોટરની મદદથી તેમની યોગ્ય સેટિંગ શોધી કાઢવામાં આવે છે. આ મશીનોની નિષ્ફળતા ટ્રેનોની અવરજવરને ગંભીર અસર કરે છે.
શું ઇન્ટરલોકીંગ સિસ્ટમમાં ખામી સર્જાઈ શકે?
રેલવેએ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે મેન્યુઅલ ટેમ્પરિંગને નકારી કાઢ્યું છે. રેલ્વે બોર્ડના સભ્ય જયા વર્મા સિન્હાના જણાવ્યા અનુસાર, આ કમ્પ્યુટર નિયંત્રિત સિસ્ટમમાં ભૂલની 99.9% શક્યતા નથી, પરંતુ 0.1% ભૂલ થઈ શકે છે. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં કોઈ મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હોય અથવા કોઈએ ખાડો ખોદી નાખ્યો હોય અથવા કેબલ કપાઈ ગયો હોય તો આમ થઈ શકે છે. વળી આની સાથે જો હવામાન એવું હોય, આજુબાજુ કોઈ કટ્સ હોય અથવા કોઈએ કોમ્પ્યુટર સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો હોય, તો તે સમસ્યા બની શકે છે. તેની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે.