કેસમાં દોષી ઠરેલા ૭ ગુનેગારોને તાત્કાલિક છોડી મુકવા રાજયપાલને ભલામણ થઈ
દોષીતોને છોડી મુકવાથી જોખમી દાખલો બેસશે તેવી કેન્દ્ર સરકારની વડી અદાલતમાં દલીલ
તામિલનાડુની એઆઈએડીએમકે સરકારે રાજીવ ગાંધીના સાત હત્યારાઓને છોડી મુકવાનો નિર્ણય લીધો છે ! કેબિનેટની બેઠકમાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મુકવાના નિર્ણય લેવાયા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. વડાપ્રધાનની હત્યામાં દોષી ઠરેલા પણ જો છુટી જતા હોય તો અન્ય ગુનેગારો માટે બહાર નિકળવું સરળ થઈ જાય તેવી ચર્ચા ચાલી રહી છે.
રાજીવ ગાંધી હત્યા કેસમાં જન્મટીપના ૭ કેદીઓને છોડી મુકવા રાજયપાલ બનવારી લાલાને તામિલનાડુ સરકારે ભલામણ કરી છે. મુખ્યપ્રધાન પલાનીસ્વામીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ મતલબનો ઠરાવ પસાર થયો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે બંધારણની કલમ ૧૬૧ હેઠળ માફી આપવાની અરજી પર સુપ્રીમ કોર્ટે રાજયપાલને અગાઉ કહ્યું હતું. જેના થોડા દિવસો બાદ હવે સરકારે પણ રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મુકવા રાજયપાલને ભલામણ કરી છે.
કેદીઓને છોડી દેવાની તામિલનાડુ સરકાર અગાઉની દરખાસ્તનો વિરોધ કરતી કેન્દ્રની અરજી પણ રદ કરવા ભલામણ થઈ છે.
રાજીવ ગાંધીની હત્યા કેસમાં દોષી ઠરેલા આરોપીઓમાં વી.શ્રીહરણ ઉર્ફે મુરુગન, સંથમ, અરીવુ, જયકુમાર, રોબોટ પ્રયાસ, પી.રવીચંદ્રન અને નલીનીનો સમાવેશ થાય છે. આ તમામ ૨૫ વર્ષથી જેલમાં છે. હત્યારાઓને તાત્કાલિક છોડી મુકવા રાજયપાલને તામિલનાડુની સરકારે ભલામણ કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ગત મહિને વડી અદાલતને કહ્યું હતું કે, દોષિતોને જતા કરવાથી દેશ માટે જોખમી દાખલો બેસશે. આવા નિર્ણયથી આંતરરાષ્ટ્રીય પડઘા પણ પડશે. કેન્દ્ર સરકારની આ દલીલથી દેશમાં અનેક લોકો સહમત છે. વડાપ્રધાનની હત્યામાં દોષિતોને છોડી મુકવાથી અન્ય ગુનેગારો માટે પણ મોકળુ મેદાન મળે તેવી વાતો થઈ રહી છે.