તમિલનાડુ અને પોંડીચેરી ચક્રવાતને કારણે ઈન્ટરનેટ અને વીજળી વિતરણ ઠપ્પ
નેશનલ ન્યૂઝ
આજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે, 100થી 110ની ઝડપે પવન ફૂંકાશે: ચેન્નઈમાં ભારે વરસાદને કારણે ટ્રેનો તેમજ ફ્લાઇટ્સ રદ, સ્કૂલો બંધ
બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલું ચક્રવાત મિચોંગ એક ગંભીર ચક્રવાતી તોફાન બન્યા બાદ આજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિચોંગ આજે બપોર બાદ ગમે ત્યારે આંધ્રપ્રદેશના બાપટલામાં ત્રાટકી શકે છે. આ ચક્રવાતની અસર ઘણા રાજ્યોમાં જોવા મળી ચૂકી છે. ખાસ કરીને તમિલનાડુ અને પુડુચેરી ચક્રવાતને કારણે સૌથી વધુ પ્રભાવિત થયા છે. અહીં ભારે વરસાદ પછી, વિવિધ કારણોસર આઠ લોકોના મોત થયા છે, જ્યારે ઘણી સંપત્તિને પણ નુકસાન થયું છે.
ચક્રવાત મિચોંગે તમિલનાડુમાં તબાહી મચાવી છે. રસ્તાઓ પર પાણી ભરાયા છે. રવિવાર રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. અનેક વૃક્ષો પડી ગયા છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને ઈન્ટરનેટ સેવા ખોરવાઈ ગઈ હતી. લોકોને ઘરેથી કામ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અને ચેન્નાઈ એરપોર્ટ સોમવાર રાત સુધી બંધ રાખવામાં આવ્યું છે. રાજ્ય મંત્રી કે. એન. નેહરુએ કહ્યું, ચેન્નાઈ 70-80 વર્ષમાં સૌથી ખરાબ વરસાદનો સામનો કરી રહ્યું છે. ચક્રવાતની અસર ઘટાડવા માટે લેવાયેલા પગલાં અપૂરતા હતા. હવામાનની સ્થિતિને જોતા એવી પણ આશંકા છે કે ચેન્નાઈની હાલત 2015 જેવી થઈ શકે છે. ત્યારે આખા શહેરે આવી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પર ઉભા પાણીને દૂર કરવા માટે સરકારી કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગના અપડેટ મુજબ ચક્રવાત મિચોંગ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાની નજીક જઈને 5 ડિસેમ્બરે નેલ્લોર અને માછલીપટ્ટનમના દરિયાકાંઠે અથડાશે તેવી શક્યતા છે. લોકો પીવાનું પાણી મેળવવા અને જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા દોડતા જોવા મળ્યા હતા.
તમિલનાડુના પડોશી રાજ્ય આંધ્રપ્રદેશના ઘણા ભાગોમાં પણ ભારે વરસાદ થયો છે આ દરમિયાન પવન 100 થી 110 કિમીની ઝડપે હતો. મિચોંગ જેમ જેમ તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની અસર વધી રહી છે ત્યારે ગઈકાલે ચેન્નઈમાં ભારે વરસાદ પડતા આખું શહેર પાણીમાં ગરક થયુ હતું અને રસ્તા પરના વાહનો તરતા જોવા મળ્યો હતા. આજે વાવાઝોડું ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થઈને બપોર સુધીમાં આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે ત્યારે દરિયાકાંઠાના પાંચ રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ
ચક્રવાત મિચોંગને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ચક્રવાતને કારણે તબાહીના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાત મિચોંગ તમિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોને ઘમરોળશે અને તે સમયે 100 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરી છે.